ગાંધીનગર: (Gandhinagar) કોરોનાની (Corona) ત્રીજી લહેર (Third Wave) હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. દિનપ્રતિદિન રાજ્યમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દૈનિક કેસની સંખ્યા ચિંતાજનક હદે વધી રહી છે ત્યારે હવે રાજ્યની સુરક્ષા જેના શિરે છે તે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને (Ashish Bhatia) પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જોકે, હળવા લક્ષણો હોય તેઓ હાલ હોમ આઈસોલેટ (Home isolate) થયા છે. તેમના સંપર્કમાં રહેલા પોલીસ અધિકારીઓએ RTPCR ટેસ્ટ કરાવ્યો છે.
છેલ્લાં કેટલાંક દિવસમાં રાજ્યના અનેક નેતાઓને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે
છેલ્લાં કેટલાંક દિવસોમાં રાજ્યના અનેક નાના-મોટા નેતાઓ પણ કોરોનામાં સપડાયા છે. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ અગાઉ ભિલોડાના કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારા, વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી યોગેશ પટેલ, ભાજપના ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા કોરોના સંક્રમિત થયા હતા. જસદણના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, જિલ્લા ભાજપના નેતા મનીષ ચાંગેલા અને હવે રાજકોટ જીલ્લાના ધારાસભ્ય પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.
રાજ્યમાં કોરોનાના નવા કેસ 10હજારની નજીક
રાજ્યમાં દિવસે દિવસે કોરોનાની ત્રીજી લહેર વધુ ને વધુ આક્રમક બની રહી છે. આજે રાજ્યના તમામ શહેર વિસ્તારો અને જિલ્લાઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે કોરોનાના કેસો નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના 9941 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 2, વલસાડમાં 1 અને રાજકોટ ગ્રામ્યમાં 1 મળી કુલ ચાર દર્દીનું મૃત્યુ થયું છે. આમ રાજ્યમાં કોરોના થી 10,137 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ વધીને 43,726 ઉપર પહોંચી ગયા છે. જેમાંથી 51 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 43675 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3449 કોરોના દર્દીઓ સાજા પણ થયા છે.
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં 3843 નોંધાવા પામ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોઈએ તો સુરત શહેરમાં 2505, વડોદરા શહેરમાં 776, રાજકોટ શહેરમાં 319, સુરત ગ્રામ્યમાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, ગાંધીનગર શહેરમાં 150, નવસારીમાં 147, ભાવનગર શહેરમાં 130, કચ્છમાં 105, મોરબીમાં 102, આણંદમાં 98, ગાંધીનગર ગ્રામ્યમાં 94, ખેડામાં 94, વડોદરા ગ્રામ્યમાં 86, જામનગર શહેરમાં 77, મહેસાણામાં 63, અમદાવાદ ગ્રામ્યમાં 61, દેવભૂમિ દ્વારકામાં 56, રાજકોટ ગ્રામ્યમાં 56, બનાસકાંઠામાં 53, પાટણમાં 49, જૂનાગઢ શહેરમાં 39, ગીર સોમનાથમાં 38, સાબરકાંઠામાં 35, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 30, અમરેલીમાં 26, ભાવનગર ગ્રામ્યમાં 26, પંચમહાલમાં 26, જામનગર ગ્રામ્ય 24, મહીસાગરમાં 20, નર્મદામાં 20, તાપીમાં 19, પોરબંદરમાં 14, જુનાગઢ ગ્રામ્યમાં 11, અરવલ્લીમાં 7, ડાંગમાં 5, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 1, એમ કુલ મળીને રાજ્યના તમામ શહેર અને જિલ્લાઓમાં 9941 કેસ નોંધાયા છે.
રાજ્યમાં રસીકરણ પૂરજોશમાં, અત્યાર સુધીમાં 9.41 લાખ લોકોને રસી અપાઈ
રાજયમાં આજે દિવસ દરમ્યાન 3.02 લાખ લોકોનું કોરોના સામે રસીકરણ કરાયુ છે. જેમાં 101129 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યાં છે. જ્યારે 45 વર્ષથી વધુ ઉમરના 10332 લોકોને રસીનો પહેલો ડોઝ અને 45 વર્ષથી વધુ ઉમરના 24468 લોકોને રસીનો બીજો ડોઝ આપવામા આવ્યો છે. તેવી જ રીતે 18 થી 45 વર્ષના 53538 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18 થી 45 વર્ષના 65036 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, 15 થી 18 વર્ષ સુધીના 46650 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ રસીકરણમાં રાજયના હેલ્થ કેર વર્કર તથા ફ્રન્ટલાઈન વર્કરનો પણ સમાવેશ થાય છે. રાજયમાં અત્યાર સુધીમાં 9,41,33,701 લોકોને રસી આપવામાં આવી છે.