Gujarat Main

નોનવેજ-ઈંડાની લારી હટાવવાના મામલે હાઈકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી, કહ્યું- લારીઓ મુક્ત કરો

અમદાવાદ: (Ahmedabad) ગુજરાતમાં (Gujarat) નોનવેજ (Nonveg) અને ઈંડાની (Egg) લારી હટાવવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં (High Court) થયેલી અરજીની સુનાવણીમાં હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે શું સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે, લોકોએ શું ખાવું? તમે લોકોની ઇચ્છા મુજબની ચીજ વસ્તુઓ ખાવાથી કઈ રીતે રોકી શકશો? હાઇકોર્ટે કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવેલી લારી તથા તેમના સાધન સામગ્રીઓ મુક્ત કરવા નિર્દેશ કર્યો હતો.

  • સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું અને શું નહીં? હાઇકોર્ટની લાલ આંખ
  • નોનવેજ અને ઈંડાની હટાવવાના મામલે હાઈકોર્ટે અમદાવાદ મનપાની ઝાટકણી કાઢી
  • અમદાવાદ મહાનગર પાલિકાએ જપ્ત કરેલી લારીઓ મુક્ત કરવા હાઇકોર્ટનો નિર્દેશ

અમદાવાદ શહેરના રસ્તા ઉપર નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવાના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી અરજીમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અમદાવાદ મનપા દ્વારા લારીઓ ઊભી રાખવા ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવવો જોઇએ. આ ઉપરાંત વધુમાં અરજદારે જણાવ્યું હતું કે બંધારણના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવે છે, આ નિર્ણય મનસ્વી રીતે લેવામાં આવ્યો છે, જે રદ કરવામાં આવે. હાઈકોર્ટે મનપાના અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિ શું ખાશે તે હવે તમે નક્કી કરશો, અમદાવાદ મનપાને આવો અધિકાર કોણે આપ્યો છે ? કોઈપણ વ્યક્તિને ખાવા-પીવાની પસંદગી વિચારોને આધિન બનાવી ન શકાય.

દરમિયાનમાં મનપા તરફથી એડવોકેટ દ્વારા રજૂઆત કરાઈ હતી કે ઈંડા કે નોનવેજની લારીઓ હટાવવાનો અમદાવાદ કોર્પોરેશન દ્વારા કોઇ જ પ્રકારનો નિર્ણય લેવાયો નથી. માત્ર જાહેર રસ્તાઓ ઉપર દબાણ કે ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા લારી-ગલ્લા હટાવવા કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હાઈકોર્ટે કહ્યું હતુ કે લારી ગલ્લાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, જે યોગ્ય નથી. કોર્પોરેશન દ્વારા જે લારી ગલ્લાઓ તથા સામગ્રીઓ કબજે કરવામાં આવી છે, તે મુક્ત કરવાનો નિર્દેશ કર્યો હતો.

Most Popular

To Top