ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં વધતા કેસો અને કોરોનાની સ્થિતી અંગે રાજ્યનાં (Gujarat) આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, રાજ્યમાં કેસ ભલે વધી રહ્યા હોય પરંતુ હાલ પુરતો ચિંતાનો વિષય નથી. હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર પ્રકારનાં નથી. રાજ્યમાં 70 ટકા બેડ ખાલી છે. રાજ્યમાં કોરોનાના દર્દીને દાખલ કરવા માટેની તમામ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, આપણે રસીકરણ (Vaccination) ખુબ જ ઝડપથી કરી રહ્યા છીએ. ગઈકાલે રજાના દિવસે પણ 2 લાખ જેટલી રસી આપવામાં આવી છે અને સરકારનો નિર્ધાર છે કે હવે પછી રોજ 2 લાખ વ્યક્તિને કોરોના વેક્સીન આપવામાં આવશે જેથી જલ્દીથી આ સંક્રમણની ચેન તોડી શકાય.
નીતિન પટેલે જણાવ્યું કે કોઈ પણ હૉસ્પિટલમાં બેડની સુવિધા ઓછી છે એવું નથી. મોટાભાગના દર્દી ઘરે સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત સરકારની જે હૉસ્પિટલમાં કોવિડની સારવારની સુવિધા કરવામા આવી છે તે પૈકીની 70 ટકા બેડ ખાલી છે. તેની સગવડ અને તમામ તૈયારીઓ કરી છે. નાગરિકોને વધુમાં વધુ સારી રીતે વેક્સીન આપવા માટે આરોગ્ય વિભાગ સક્ષમ છે અને સારી કાર્યવાહી કરી રહ્યું છે. નાગરિકો પણ મહત્તમ રસી લે તે જરૂરી છે. જેથી સંક્રમણની ચેન તોડી શકાય.
ક્યાં કેટલા ડોઝ ફાળવી દેવાયા
તેમણે ઉમેર્યું કે આપણે રસીકરણ ખુબ જ ઝડપથી કરી રહ્યા છીએ. ઝડપથી રસીકરણ પુરું થાય અને ખતરો ટળે તેવા ટાર્ગેટથી ચાલી રહ્યા છીએ. સરકાર દ્વારા તમામ સરકારી આરોગ્ય તંત્રને પોતાના સંપુર્ણ ફોર્સ સાથે કામે લગાડીને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ સરકારી દવાખાનાઓ, પીએચસી, સીએચસી પર રસીકરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. 13,57,000 નવા વેક્સીનના ડોઝ ફાળવી દેવાયા છે. આ ડોઝ પૈકી ગાંધીનગરને 7,70,000 નવા ડોઝ ફાળવી દેવાયા છે. રાજકોટને 1,66,500 ડોઝ, વડોદરા 2,13,400 ડોઝ ફાળવી દેવાયા છે. હજી સુધી રાજ્યમાં કોઇ પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર પણ જોવા મળી નથી.