ગુજરાતના 27 શહેરમાં નાઇટ કર્ફ્યૂ યથાવત, લગ્ન સમારોહમાં આટલા મહેમાનોની છૂટ

ગાંધીનગર: (Gandhinagar) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં નાઇટ કર્ફ્યુ (Night Curfew) આઠ મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. નાઈટ કર્ફ્યુના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે લગ્ન સમારોહ માટે મેહમાનોની સંખ્યામાં છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગમાં ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન (Marriage) પ્રસંગમાં ૩૦૦ લોકોને બોલાવી શકાશે.  આ નિર્ણયો આવતી કાલે એટલેકે તા. ૪થી ફેબ્રુઆરી ૨૦૨૨થી અમલમાં આવશે અને  તા. ૧૧ મી   ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.૦૪-૨-ર૦રરના સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને તા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીની કરવામાં આવી છે. રાજ્યના ૮ મહાનગરો ઉપરાંત ૧૯ નગરોમાં તારીખ ૪થી ફેબ્રુઆરી થી દરરોજ રાત્રિના ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીના રાત્રિ કરફયુનો અમલ તા. ૧૧  ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧  ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે.

  • આ છે હશે નવા નિયમો
  • રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં લગ્ન સમારોહ યોજી શકાશે
  • લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે 
  • હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.
  • રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦  વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ  તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. 
  • હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે.

જણાવી દઈએ કે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રીરાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ,  મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા. 

Most Popular

To Top