ગાંધીનગર: (Gandhinagar) રાજ્યના 36 શહેરોમાં લગાવાયેલા રાત્રિ કર્ફ્યુની મુદત આવતીકાલે પૂરી થાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મંગળવારે નવી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સાંજે મળેલી કોર કમિટીની બેઠકમાં રાત્રિ કરફ્યૂ 18 મે સુધી યથાવત્ રાખવાનો નિર્ણય લેવાયો છે. હાલમાં રાત્રિ કર્ફ્યૂ (night curfew) નો સમય જે રાત્રિના 8થી સવારના 6 સુધીનો છે, એને 18 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ગુજરાતના (Gujarat) 8 મહાનગરો સહિત 36 શહેરોમાં આ નિર્ણય લાગૂ રહેશે.
ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય લેવાયો છે. ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા છે. તા. ૧૨ મે-ર૦ર૧થી તા.૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે. તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે.
કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.