Gujarat

મોરબી દુર્ઘટનાનાં દિવંગતો માટે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક : CM ભૂપેન્દ્ર પટેલ

ગાંઘીનગર: રવિવારે ગુજરાતના (Gujarat) મોરબીમાં બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ અકસ્માતમાં (Accident) કેટલાય લોકોના મોત (Death) થયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મળતી માહિતી મુજબ ગુજરાતના મોરબીમાં અત્યાર સુધીમાં 134 લોકોના દુઃખદ અકસ્માતમાં મોત થયા છે તેમજ મૃતકોની સંખ્યા વધી શકવાની શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ ઘટના રવિવારે સાંજે બની હતી, જ્યારે લોકો છઠની ઉજવણી કરી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કેબલ બ્રિજ પર સેંકડો લોકો હાજર હતા અને અચાનક આ બ્રિજ તૂટી પડ્યો હતો. રાહત કાર્ય માટે બચાવ ટીમ સતત કામ કરી રહી છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ કેસમાં 9 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ​​રાજભવન, ગાંધીનગર ખાતે મોરબીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃતકો માટે 2 નવેમ્બરે સમગ્ર ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું હતું કે, “રાજ્યમાં સરકારી ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી ઝુકાવવામાં આવશે અને કોઈ કાર્યક્રમ/મનોરંજનનું આયોજન કરવામાં આવશે નહીં. જણાવી દઈએ કે મંગળવારના રોજ પીએમ મોરબીની મુલાકાત લશે.

મોરબી અકસ્માત અંગે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે બ્રિજનું નવીનીકરણ અને ઉદ્ઘાટન મોરબી પ્રશાસન દ્વારા કરવામાં આવ્યું હતું. આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુજરાત સરકારની કોઈ ભૂમિકા નહોતી. જૂનો પુલ નાનો હતો અને ખાનગી ઉપયોગ માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ પ્રવાસીઓની અવરજવર માટે તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે મોરબીમાં ઘટેલી આ ઘટનાના કારણે મોરબીમાં ઘણી દુકાનો પણ બંધ રાખવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ મૃતકોને શ્રઘ્ઘાંજલી આપવામાં આવી હતી. દેશ દુનિયાથી લોકો મોરબીમાં ઘટેલી ઘટના માટે પોતાનો શોક વ્યકત કરી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને મોરબી દુર્ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું, “માનનીય શ્રીમતી રાષ્ટ્રપતિ, શ્રીમાન વડાપ્રધાન, કૃપા કરીને ગુજરાતમાં પુલ તૂટી પડવાની દુ:ખદ ઘટના પર મારી ઊંડી સંવેદના સ્વીકારો.” હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. પુલ ધરાશાયી થવાને કારણે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. અમે કોઈપણ પ્રકારની મદદ માટે તેમની પડખે છીએ.

Most Popular

To Top