ગાંધીનગર : પૂર્વ ભારત તથા બંગાળના અખાત પરથી સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) ફરીથી ચોમાસુ (Monsoon) સક્રિય થયું છે. જન્માષ્ટમીએ રાજયના 135 તાલુકામાં ભારે વરસાદ (Heavy Rain) થયો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ડાંગ , સુરત , વલસાડ , તાપી , ખેડા , નર્મદા અને સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ થયો છે. રાજયભરમાં ખેડૂતોના સૂકાતા પાકને આ પાછોતરા વરસાદથી જીવતદાન મળી ગયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે રાજ્યમાં આગામી પાંચ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.
- રાજયમાં 135 તાલુકાઓમાં ભારે વરસાદ થયો
- 13 સપ્ટેમ્બર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી
બંગાળથી પશ્ચિમ તરફ જે સિસ્ટમ આવી હતી તેના કારણે ગુજરાત સહિત દેશભમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ પર છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે.આગામી 1-2 દિવસ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે. જેમાં 48 કલાક દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવનાઓ છે, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી સામાન્ય વરસાદ થઈ શકે છે.
9મી તારીખે પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીનો સમાવેશ થાય છે. 24 કલાક દરમિયાન અતિભારે વરસાદની સંભાવનાઓ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, દાહોદમાં ભારે વરસાદ થઈ શકે છે. પંચમહાલ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી 13 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધી ચાલુ રહેશે.
ડાંગના વઘઈમાં 6 ઈંચ, ઉમરપાડામાં 5 ઈંચ, આહવામાં 3 ઈંચ, સુબીરમાં 2.7 ઈંચ, કપરાડામાં 2.4 ઈંચ, સોનગઢમાં 2.2 ઈંચ, કઠલાલમાં 2 ઈંચ, ધરમપુર – ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ થયો હતો. આજે દિવસ દરમિયાન રાજયમાં સતત વરસાદ ચાલુ રહ્યો હતો. અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થયો હતો. આજે શુક્રવારે રાજયમાં 69 તાલુકાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં ભારે વરસાદ થયો છે. આજે સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, આણંદમાં ભારે વરસાદ થયો છે.