Dakshin Gujarat

સાપુતારા વઘઈમાં ધોધમાર વરસાદ, શામગહાન-સાપુતારા ઘાટમાં શીલા ધસી પડી

સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં લાંબા સમયનાં વિરામ બાદ વરસાદનું (Rain) પુનરાગમન થયુ છે. જિલ્લામાં બુધવારે રાત્રીથી શુક્રવાર સુધીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લામાં (Dang District) 24 કલાકમાં આહવા પંથકમાં 102 મિમી અર્થાત 4.08 ઈંચ, સુબિર પંથકમાં 108 મિમી અર્થાત 4.32 ઈંચ, વઘઇ પંથકમાં 131મિમી અર્થાત 5.24 ઈંચ, જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 133 મિમી અર્થાત 5.32 ઈંચ જેટલો વરસાદ નોંધાતા ડાંગી ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રવર્તી હતી.

  • સાપુતારા 5.32, વઘઇ 5.24 ઈંચ, સુબિર 4.32 ઈંચ અને આહવામાં 4.08 ઈંચ દેમાર વરસાદ
  • ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામતા નદીઓ ગાંડીતુર બની- વઘઇના ભવાનદગડ તથા આહવાથી શામગહાનના માર્ગમાં વૃક્ષો ધરાશાયી થતા માર્ગો અવરોધાયા
  • જન્માષ્ટમી પર્વની રજામાં સાપુતારામાં પ્રવાસીઓની ચિક્કાર ભીડ જામી – શામગહાન-સાપુતારા ઘાટમાં શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો

ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદનાં પગલે લોકમાતાઓમાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા ગાંડીતુર બની વહેતી થઈ છે. શુક્રવારે ભારે વરસાદનાં પગલે ડાંગ જિલ્લાનાં આહવાથી વઘઇને જોડતા રાજ્ય ધોરીમાર્ગનાં ભવાનદગડ પાસે તથા આહવાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ઘાટમાર્ગમાં વૃક્ષો ધરાશાયી થતા આ બન્ને માર્ગો અવરોધાયા હતા. જોકે માર્ગ મકાન વિભાગ તથા વન વિભાગની ટીમે તુરંત જ સ્થળ પર ધસી જઈ વૃક્ષો સહીત માટીનો મલબો હટાવી દેતા ફરી વાહનવ્યવહાર પૂર્વરત થયો હતો. ગુરૂવારે જન્માષ્ટમી પર્વની રજામાં સાપુતારા સહીત અન્ય પ્રવાસન સ્થળોએ ચિક્કાર પ્રવાસીઓની ભીડ જામી હતી. સાપુતારામાં વરસાદી માહોલ અને ધુમ્મસીયા વાતાવરણનાં પગલે જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો આહલાદક બની જવા પામ્યા હતા.

ગિરિમથક સાપુતારામાં છેલ્લા બે દિવસથી ગાઢ ધુમ્મસીયું વાતાવરણ છવાઈ રહેતા પ્રવાસી વાહનચાલકોને સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી. વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરા ધોધ ભારે વરસાદી માહોલનાં કારણે ખીલી ઉઠયા હતા. ડાંગ જિલ્લામાં વરસી રહેલા એકધારા વરસાદને પગલે આજે મોડી સાંજે શામગહાન-સાપુતારા ઘાટમાર્ગ ઉપર કાળમીંઢ શીલા તથા માટીનો મલબો ધસી પડ્યો હતો. જોકે સ્થાનિક વહીવટી તંત્રે મલબો હટાવવાની કવાયત હાથ ધરી છે.

ડાંગના સાત ગામ અસરગ્રસ્ત થયા
ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર વઘઇ તાલુકાના (1) વાંઝટઆંબા-કોયલીપાડા રોડ, સહિત (2) ખાતાળ ફાટકથી ઘોડી રોડ, અને આહવા તાલુકાના (1) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, અને (2) બોરખલ-ગાયખાસ-ચવડવેલ માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાયા છે. જેના કારણે સાત ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.

  • ડાંગ જિલ્લાનો 24 કલાકનો વરસાદ
  • સાપુતારા 5.32
  • વઘઇ 5.24 ઈંચ
  • સુબિર 4.32 ઈંચ
  • આહવા 4.08 ઈંચ

Most Popular

To Top