ગાંધીનગર: (Gandhinagar) સોમાસાના (Monsoon) પ્રથમ રાઉન્ડ બાદ હવે ગુજરાતમાં (Gujarat) ચોમાસને બ્રેક લાગી ગઈ છે. જેનાપગલે અંદાજિત 25 લાખ હેકચરમાં ખરીફ મોસમનું વાવેતર કરનાર ખેડૂતો (Farmers) ચિંતામાં મૂકાઈ ગયા છે. સેટેલાઈટ તસ્વીરો જોતાં હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાજયમાં આગામી 15મી જુલાઈ સુધી વરસાદની શકયતા નહીંવત જોવાઈ રહી છે. 7 જુલાઈ પછી બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાવાની સંભાવના છે. આશા છે કે તેના પછી ચોમાસુ ગતિ પકડશે. દેશમાં 4 મહિના વરસાદની ઋતુ દરમિયાન મોનસૂન બ્રેક લેતું રહે છે. આ વખતે મોનસૂન બ્રેકમાં અલગ વાત એ છે કે મોનસૂન સમગ્ર દેશમાં છવાઈ જાય એ પહેલા જ બ્રેક મોડમાં પહોંચી ગયું છે.
રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે. ગુજરાતમાં જુલાઈ માસમાં વાદળિયો તાપ જોવા મળી રહ્યો છે. જેના પગલે ગરમીનો પારો 41 ડિગ્રીની પાર જતો રહયો છે. રાજયમાં ગરમીના કારણે બફારો અને ઊકળાટ પણ વધી જાવા પામ્યો છે. રાજયમાં 15મી જુલાઈ સુધી વરસાદના કોઈં એંધાણ નથી , જેના પગલે 25 લાખ હેકટરમાં વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે 8 જુલાઈ સુધી ચોમાસુ સમગ્ર દેશમાં છવાઈ જાય છે, પરંતુ આ વખતે તેમાં એક સપ્તાહ જેટલો વધુ સમય લાગ્યો છે.વેધર એજન્સી સ્કાયમેટે આ વર્ષે દેશમાં 907 મિલીમીટર વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી, એટલે કે સમગ્ર દેશમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. સમગ્ર ભારતમાં જૂન મહિના દરમિયાન જ સરેરાશથી 10% વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે જુલાઈમાં 277 મિલીમીટર વરસાદ થવાનું અનુમાન લગાવ્યું હતું. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 15 તાલુકામાં નહીંવત વરસાદ થયો છે. જેમાં મહીસાગરમાં 2.4 ઈંચ , સંતરામપુરમાં દોઢ ઈંચ , અરવલ્લીના બાયડમાં 17 મીમી , માવપુરમાં 13 મીમી વરસાદ થયો છે. ચોમાસાની મોસમમાં અત્યાર સુધીમાં રાજયમાં સરેરાશ 14.63 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 12.62 ટકા , ઉત્તર ગુજરાતમાં 12.91 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 15.11 ટકા , સૌરાષ્ટ્રમાં 12.17 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 16.29 ટકા વરસાદ થયો છે.