GANDHINAGAR : રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરિયાત અને રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજિસ્ટ્રેન અધિનિયમ-1949 રદ કરી આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજિસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-2021 પુન: અધિનિયમિત કરવાનું વિધેયક વિધાનસભામાં આજે પસાર કરવામાં આવ્યું હતું.
વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહયું હતું કે, હાલમાં જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા આરોગ્ય સંભાળ વિતરણ વ્યવસ્થાથી લોકોને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તાની દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાને લગતી બાબત આરોગ્ય સંભાળ વિતરણ વ્યવસ્થાનું હાલનું માળખું કાર્યક્ષમતાના સુધારણા માટે પૂરતુ પ્રોત્સાહન પુરૂ પાડવુ જરૂરી છે. વિધાનસભામાં રજુ કરેલા ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટથી રાજ્યની તમામ ચાલુ તથા નવી શરૂ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે જેથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો લેબોરેટરી હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે. કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમ્યાન વિસ્તાર દીઠ ડોકટરોની સંખ્યા તથા સંબંધિત ટેકનિકલ સ્ટાફ અને સાધનોની માહિતીથી તેની સામે વધુ અસરકારક રીતે લડી શકાય તેમજ મજબુત નીતિ નિર્માણ થાય તે જરૂરી હોઇ આ બીલ રજુ કરવા માં આવ્યું છે. પટેલે જણાવ્યું હતું કે સરકારનો ઉદેશ્ય છેવાડાનાં સામાન્ય અને ગરીબ દર્દીને પણ અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે અને તેને દીર્ધાયું પ્રાપ્ત થાય તે માટે કટિબદ્ધ છે.
ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) વિધેયક,2021ની આવશ્યક્તા અંતર્ગત તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ખાનગી આરોગ્ય સેવાઓનો વ્યાપ્ત વધારે હોવાથી તેમાં પણ દર્દીઓને ઉમદા કક્ષાની આરોગ્ય સેવાઓ મળે તે અનિવાર્ય છે. વખતો વખત ખાનગી હોસ્પિટલો દ્વારા ઊતરતી કક્ષાની આરોગ્ય સેવા, બોગસ-ડીગ્રી વગરના ડોકટરો, નિયત કરતા વધુ રકમ વસુલ્યા અંગેની ફરિયાદ બાબતોનું નિરાકરણ લાવવા માટે આ સરકાર વિધેયક લાવી દર્દીઓના હિત માટે આ સંવેદનશીલ નિર્ણય કરેલ છે.