Gujarat

કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી

ગાંધીનગર :ગુજરાતમાં (Gujarat) કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા માવઠાની (Mavthu) આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર સરકીને આવેલી છૂટા છવાયા વાદળોની સિસ્ટમ વરસાદ લાવે તેવી સંભાવના રહેલી છે. હાલમાં સેટેલાઈટ તસ્વીરો જોતા ગુજરાત પર છૂટા છવાયા વાદળો જોવા મળી રહ્યાં છે. જેના પહલે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 26 થી 28મી એપ્રિલ દરમ્યાન ગુજરાતમાં માવઠાની ચેતવણી જાહેર કરાઈ છે. શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાના હવામાન ખાતાના સંકેતો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. જણાવી દઈએ કે રાજ્યમાં અલગ જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. શિયાળા બાદ હવે ઉનાળાની શરૂઆતથી જ કમોસમી વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે.

ગુજરાતના કેટલાય વિસ્તારોમાં છેલ્લાં કેટલાય સમયથી છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બુધવારથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં 26, 27 અને 28 એપ્રિલ એમ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને રાજયમાં દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં માવઠાની ચેતવણી જાહેર કરાઈ છે. આ જિલ્લાઓમાં પ્રતિક કલાકના 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે કાચા મકાનો તૂટી પડે તેવી પણ સંભાવના રહેલી છે. જયારે મુજબ, રાજયમાં આગામી 48 કલાક દરમ્યાન ગરમીનો પારો 2થી 3 ડિગ્રી જેટલો વધશે અને તે પછીના 3 દિવસ દરમ્યાન ગરમીનો પારો 4 ડિગ્રી સુધી નીચે ઉતરી જશે. જેના પગલે આગામી પાંચ દિવસ રાજયમાં ગરમીના પ્રમાણમાં વધ-ઘટ થશે.

Most Popular

To Top