ભરૂચ: દેવાધિદેવ મહાદેવની આરાધનાના મહાશિવરાત્રિના (MahaShivratri) પાવનકારી મહા પર્વની આજે પરંપરાગત રીતે ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોનાની (Corona) મહામારીનાં બે વર્ષ બાદ શહેરનાં શિવાલયોમાં આ વર્ષે આ પર્વ ઉજવણીનો રંગ ખરા અર્થમાં જામ્યો છે. મુખ્યત્વે મહાશિવરાત્રીના દિવસે શિવની (Shiv) આરાધના કરવામાં આવતી હોય છે પરંતુ ગુજરાતમાં (Gujarat) એક મંદિર (Temple) એવું છે જ્યાં વર્ષોથી મહાશિવરાત્રીના દિવસે શક્તિની પૂજા કરવામાં આવે છે. તેમજ 5 દિવસનો મેળો પણ ભરાય છે જ્યાં ગુજરાત સહિત અન્ય ચાર રાજ્યોમાંથી લાખો ભક્તો આવે છે.
ભોળાનાથને રીઝવવાનો દિવસ એટલે મહાશિવરાત્રી. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા (Devmogra) ખાતે શિવ નહીં પણ શક્તિની પુજા કરવામાં આવે છે. શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો પણ ભરાય છે. અહીં મહાશિવરાત્રીના પાવન પર્વ પર લાખો આદિવાસી શ્રદ્ધાળુએા દર્શન માટે ઉમટી પડે છે. ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદીવાસીઓ પણ આવે છે અને કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે. તેમજ શ્રદ્ધાળુઓ પાંડોરી માતાની બાધા-આખળી પુરી કરે છે. અહીં પાંડોરી માતાના 5 દિવસ ચાલનારા મેળામાં ગુજરાત સહીત ચાર રાજયોમાંથી લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે અને બાઘા આખળી પુરી કરવા આવે છે.
અહીં ઇ.સ.પૂર્વે સન 1885 માં સાગબારાના રાજવી પરિવાર દ્રારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું, રાજવી પરિવાર જ દર વર્ષે મહાશિવરાત્રીએ પુજન કરે છે. પરંતુ સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે. સમગ્ર ભારત આઠ ટકા વસ્તી આદિવાસીઓની છે. તેમાંથી 15 ટકા આદિવાસી ગુજરાતમાં વસે છે. સમગ્ર આદિવાસીઓની કુળદેવી હોવાથી ભારતભરના આદિવાસીએા પાંડોરી મા ના દર્શન માટે આવે છે. સાથે જ યોજાનારા પાંચ દિવસ ચાલનારા આ મેળામાં આદીવાસીઓની સંખ્યા અગણીત હોય છે. શ્રદ્ધાળુઓ 12 થી 48 કલાક લાઇનમાં ઉભા રહીને માતાના દર્શન કરે છે.
પાંડેરી માતાના મંદિરની માન્યતાઓ અને પરંપરાઓ બાકીના મંદિરો કરતા અલગ છે. અહીં આદિવાસીઓ નૈવેધમાં નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ, બકરો, મરઘી અને દેશી દારૂ સહિત બાધા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે. અને પ્રસાદરૂપે મળેલ ચીજને બારેમાસ અનાજના કોઠારમા સાચવી રાખે છે. આદિવાસીએાની માન્યતા અનુસાર ચોમાસા પછી તરત જ આવતા આ મેળામાં ધન-ધાન્ય કે જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખસમૃધ્ધી મળે છે. તેથી જ દુરદુરથી આદિવાસીઓ દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે.
આ ધર્મોત્સવને અનુલક્ષીને તમામ શિવાલયોમાં સુશોભન, શણગાર સહિતની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાંક સ્થળોએ શિવમંદિરો ખાતે લઘુરુદ્ર યજ્ઞ, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શહેરનાં વિવિધ શિવાલયોમાં આજના દિવસે મહાશિવરાત્રિના મહા પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવશે.
શિવાલયોમાં વહેલી સવારથી જ ચાર પ્રહરની મહાઆરતી, ધ્વજારોહણ, મહાપૂજા, દુગ્ધાભિષેક અને જળાભિષેક, રૂદ્રાભિષેક, દીપમાળ, મહાપ્રસાદ, બટુકભોજન, સંતવાણી, ભજન-કિર્તન તેમજ આખો દિવસ હોમાત્મક લઘુરુદ્ર સહિતના કાર્યક્રમો યોજાશે. શિવાલયોમાં જળાભિષેક અને દુગ્ધાભિષેક માટે શિવભક્તોનો અવિરત પ્રવાહ શરૂ થશે. આ સાથે શિવાલયોમાં હર હર મહાદેવ તેમજ બમ બમ ભોલેનો જયઘોષ ગૂંજી ઊઠશે. મહાશિવરાત્રિને અનુલક્ષીને શિવભક્તોનાં મંડળો દ્વારા શિવાલયોમાં ચિત્તાકર્ષક સુશોભન અને શણગારના કાર્યને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હાલ કોરોનાની મહામારી હળવી થતાં અને શહેર કરફ્યૂમાંથી મુક્ત થતાં બે વર્ષ બાદ મહાશિવરાત્રિની ખરા અર્થમાં ધામધૂમથી ઉજવણી કરવાનો અવસર આવતાં શિવભક્તોમાં અપૂર્વ હર્ષોલ્લાસ પ્રવર્તી રહ્યો છે.