ગુજરાતમાં (Gujarat) પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે એવી લોક લાગણી સામે આવી છે. મોટાભાગના શહેરોમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન (Lock down) પણ લગાડી દીધું છે. એટલું જ નહીં સરકાર પણ આ મુદ્દે હવે ગંભીરતાથી વિચારી રહી છે. આવામાં ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ચેમ્બર સાથે બેઠક કરવાના છે. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જીસીસીઆઈ અને રીજનલ ચેમ્બર સાથે લોકડાઉન (gujarat lockdown) ની સ્થિતિ અને જરૂરિયાત અંગે માહિતી મેળવવામાં આવે તેવી જાણકારી મળી છે.
દિલ્હીમાં આજથી એક અઠવાડિયાનુ લોકડાઉન (delhi lokdown) લગાવવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લોકડાઉન લાગે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. આ અંગે ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે. ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો રસ્તો અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે. ઔદ્યોગિક શહેરોમાં ઉદ્યોગો અને માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. દિલ્હી સરકારના લોકડાઉનના નિર્ણય બાદ ગુજરાતમાં પણ લોકડાઉનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં લોકડાઉનની જરૂરિયાત અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક લોકો સપ્તાહ માટેના સંપૂર્ણ લોકડાઉનના સમર્થનમાં છે. તો કેટલાક લોકો સ્વયંભુ લોકડાઉનને જ સારો વિકલ્પ માની રહ્યા છે.
બોટાદ (Botad) શહેરમાં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 21 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન રહેશે. આવતીકાલે રાત્રે 9 વાગ્યા સુધી તમામ દુકનો ખુલ્લી રહેશે. ટાઉન હોલમાં નગરપાલિકાના પ્રમુખ, સભ્યો અને વેપારીઓની હાજરી યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાળાબજાર (Blackmarketing) કરતા દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાનું પણ નક્કી થયું હતું.
પાટણ જિલ્લામાં 7 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. જે આવતીકાલ એટલે કે 20 એપ્રિલથી લાગુ થવાનું હતું. કલેક્ટર, SP, વેપારી અને તબીબો સાથેની બેઠક બાદ આ મહત્વનો નીર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લામાં સતત વધતા સંક્રમણને લઇને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો.