ગાંધીનગર: (Gandhinagar) ઉત્તર ભારતમાં કાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે તથા ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ (Fog) સાથે વધેલી ઠંડીના (Cold) કારણે ગુજરાતમાં પણ ઠંડી વધી છે. ખાસ કરીને રાજ્યમાં કાતિલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. કચ્છમાં આજે મોસમની સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. જેમાં નલિયામાં 5 ડિગ્રી ઠંડી અનુભવાઈ હતી. ઉત્તર ગુજરાતમાં પણ કાતિલ ઠંડી અનુભવાઈ રહી છે. નલિયાવાસીઓ તો ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે.
- કચ્છમાં ઠંડીના સુસવાટા, નલિયા 5 ડિગ્રી તાપમાને ઠુંઠવાયું
- હજુ એકાદ દિવસ શીતલહેરને પગલે તાપમાન નીચું જવાની હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, રાજ્યમાં 24 કલાક પછી હજુયે ઠંડીનો પારો 2થી3 ડિગ્રી જેટલો નીચે ઉતરી જવાની શક્યતા છે. અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 12 ડિ.સે., ગાંધીનગરમાં 13 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 18 ડિ.સે., વડોદરામાં 17 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે.,ભૂજમાં 13 ડિ.સે., નલિયામાં 5 ડિ.સે., કંડલા પોર્ટ 15 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 10 ડિ.સે., ભાવનગરમાં 19 ડિ.સે. ,રાજકોટમાં 14 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 15 ડિ.સે., કેશોદમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યુ હતું.
પતંગ રસિયાઓ માટે આજે પવનો સામાન્ય 10-12 કિમીની રહેવાની સંભાવના
સુરત: શહેરમાં આજે પવનોની ગતિ એકદમ મંદ પડી ગઈ હતી. જેને કારણે પતંગ રસિયાઓ આવતીકાલે ઉતરાણની ચિંતામાં મુકાયા હતા. પરંતુ હવામાન વિભાગે આજે 10-12 કિમીની ઝડપે સામાન્ય પવન રહેવાની આગાહી કરી છે.
સુરત શહેરમાં આખો વર્ષ પવન ફુંકાય કે ન ફુંકાય તેની ક્યારેય પણ ચિંતા નહી કરનારા સુરતીઓ માટે ઉતરાણના દિવસે પવનોની ગતિને લઈને બે દિવસ પહેલાથી જ ચિંતા શરૂ થઈ જાય છે. આજે પવનોની ગતિ મંદ પડી હતી. 2 કિમીની ઝડપે ઉત્તર-ઉત્તર-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો થતા 31.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 19.6 ડિગ્રીએ યથાવત રહ્યું છે. હવે વાત ઉતરાણના દિવસના પવનોની કરીએ તો હવામાન વિભાગે ઉતરાણના દિવસે શહેરમાં સામાન્ય પવનો રહેવાની આગાહી કરી છે. દિવસ દરમિયાન 10 થી 12 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. જ્યારે દરિયા કિનારાના વિસ્તારોમાં પવનોની આ ગતિ થોડી વધારે એટલે કે 15 થી 17 કિમી પ્રતિકલાકની અનુભવાશે.