ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. હાઈકોર્ટને ઈમેલ મળ્યો છે. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાઈકોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ડેપ્યુટી પોલીસ કમિશનર સફીન હસને આ માહિતી આપી. અમદાવાદ શહેરની 3 અને ગાંધીનગરથી રાજ્ય સરકારની 3 એમ 6 BDDS(બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમ ફાળવવામાં આવી છે. તેના દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કંઈ મળી આવ્યું નથી.
ઝોન-1ના ઇન્ચાર્જ ડીસીપી સફીન હસને ધમકી મળવાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈમેલમાં ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. લોકોની, વકીલોની અને પક્ષકારોની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા છે. ડીસીપી સફિન હસને જણાવ્યું કે ગુજરાત હાઇકોર્ટને સવારે 10:45 વાગ્યે એક ધમકી ભરેલો મેલ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે સાંજના સમયે હાઇકોર્ટ પરિસરમાં બ્લાસ્ટ કરીશું.
હાઇકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડોગ-સ્ક્વોડ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું છે. હાઇકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમના નેતૃત્વ હેઠળ SRPની બે કંપની તથા ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે.
આ પહેલાં ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝેબલ ટીમની ગાડી અને ફાયરની ગાડી હાઈકોર્ટમાં પહોંચી ગઈ હતી. ગેટ નંબર-5 હાઈકોર્ટ સ્ટાફ પ્રવેશનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઇ મેલને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે કોર્ટની લંચ પછીની કાર્યવાહી મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો. કોર્ટ પરિસરમાંથી બહાર નિકળવા માટે વકીલોના અને સામાન્ય લોકોના વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.