SURAT

મેહુલ બોધરા પર હુમલાના કેસમાં સરથાણા પોલીસને ગુજરાત હાઇકોર્ટનું તેડું

સુરત : સરથાણા(Sarthana)માં વકીલ(Advocate) મેહુલ બોધરા(Mehul Boghra)ની સામે નોંધાયેલી એટ્રોસિટી એક્ટ તેમજ ખંડણીની ફરિયાદમાં ગુજરાત હાઇકોર્ટે(Gujarat High court) તપાસ ઉપર સ્ટે(Stay) આપતો હુકમ કર્યો હતો. સાથે સાથે હાઇકોર્ટે સરથાણા પોલીસને સંબોધીને તમામ રિપોર્ટ લઇને કોર્ટમાં હાજર રહેવાની નોટિસ(Notice) ઇસ્યુ કરી હોવાની વિગતો મળી છે.

  • મેહુલ બોધરા ઉપર એટ્રોસિટીની ફરિયાદ નોંધતા ગુજરાત હાઇકોર્ટે નોટીસ ફટકારી
  • કોર્ટે મેહુલ સામેની ફરિયાદ ઉપર સ્ટે આપવાની હુકમ કર્યો
  • સરથાણા પોલીસને રિપોર્ટ લઈ કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તા.18 ઓગસ્ટે સરથાણા યોગીચોકમાં રહેતા એડ્વોકેટ મેહુલ બોધરા ઉપર જીવલેણ હુમલો થયો હતો. મેહુલ બોધરા ટીઆરબીનો હપ્તાખોરીનો વિડીયો લાઇવ કરી રહ્યો હોવાથી ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકાથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પોતાનું પલડું ભારી રાખવા માટે મેહુલની સામે એટ્રોસિટી એક્ટ તેમજ દર મહિને રૂ.30 હજારની ખંડણી માંગતો હોય તેમજ પોલીસની સાથે યુનિફોર્મમાં મારામારી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ વાતને લઇને લોકોનો રોષ સાતમાં આસમાને ફાટી નીકળ્યો હતો. સુરતના વકીલોએ પણ સુરત પોલીસની સામે વિરોધ દર્શાવવા માટે રેલી કાઢી હતી. દરમિયાન એડ્વોકેટ મેહુલ બોધરાએ ગુજરાત હાઇકોર્ટમાં એટ્રોસિટી તેમજ ખંડણીની ફરિયાદ રદ કરવા માટે ક્વોસિંગ પિટિશન દાખલ કરી હતી. આ અંગે માહિતી આપતાં વકીલ મેહુલ બોધરાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત હાઇકોર્ટે મારી સામેની ફરિયાદ ઉપર સ્ટે મૂકતો હુકમ કર્યો છે. ઉપરાંત હાઇકોર્ટે સરથાણા પોલીસને તમામ રિપોર્ટ સાથે આગામી તા.13 સપ્ટેમ્બરે હાઇકોર્ટમાં હાજર રહેવા નોટિસ પણ ઇસ્યુ કરી છે.

મેહુલ બોધરાએ કરેલી આગોતરા જામીન અરજી ઉપર આજે સુનાવણી
મેહુલ બોધરા સામે સરથાણા પોલીસે એટ્રોસિટી તેમજ ખંડણીની ફરિયાદ નોંધી હતી. પોલીસ પકડથી બચવા માટે મેહુલે સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનઅરજી કરી હતી. જે અરજીની આજે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ હતી સમગ્ર ઘટના
ગત તા. 18મી ઓગષ્ટના રોજ લસકાણા પોલીસ ચોકી નજીક જ સુરતના એડવોકેટ મેહુલ બોધરા ઉપર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે લાકડાના ફટકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મેહુલને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, આ સાથે જ સુપરવાઇઝર સાજન ભરવાડની સામે મારામારીનો ગુનો નોંધી તેની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવાયા છે.

Most Popular

To Top