ગુજરાત હાઈકોર્ટના જ્જ જસ્ટિસ સંદીપ ભટ્ટની ટ્રાન્સફરના વિરોધમાં આજે ગુરુવારે સતત બીજા દિવસે હાઈકોર્ટના વકીલોએ હડતાળ પાડી છે. આજે હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલોએ ભેગા થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. વકીલ એકતા જિંદાબાદના સૂત્રો પોકાર્યા હતા.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી અને સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ સહિત કમિટીના અન્ય સભ્ય ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા અને કોલેજિયમ સમક્ષ જસ્ટિસ ભટ્ટની બદલી અટકાવવા રજૂઆત કરી છે. સીજેઆઈએ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિશનની કમિટી સાથે મુલાકાત કરી હતી.
CJIએ ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના 06 સભ્યોના પ્રતિનિધિ મંડળને શાંતિથી સાંભળ્યું હતું. CJI અને કોલેજીયમ મેમ્બર્સ પ્રતિનિધિ મંડળની રજૂઆતને વિગતે ધ્યાને લેશે અને પ્રત્યુતર આપશે. પ્રતિનિધિ મંડળ સુપ્રિમ કોર્ટ જજ સૂર્યકાંતને પણ મળ્યું અને તેમને રજૂઆત અંગે માહિતગાર કર્યા હતા. તેમણે પણ આ મુદ્દો ધ્યાને લેવા ખાતરી આપી હતી. જો કે કોલેજિયમના મેમ્બર્સ મળ્યા નહીં.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે, જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે.