ગુજરાત: હવામાન વિભાગની માવઠાની આગાહી સાચી પડી છે ત્યારે રવિવારની સવારથી કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું છે. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં પલટો આવ્યો છે. તે સાથે કાળા દિબંગ વાદળો અને વીજળીની ગર્જના સાથે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું છે. શિયાળાની ઋતુમાં જાણે ચોમાસું નવેસર થી સક્રિય થયુ હોય તેવું વાતાવરણ બન્યું છે. સાથે ધરતીપુત્રોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ડાંગર, તુવેર અને રવિ પાક તેમજ ઘાસચારો ભીંજાતા પશુપાલકોમાં પણ મુશ્કેલી જોવા મળી રહી છે.
ગુજરાતમાં (Gujarat) શિયાળાની શરૂઆત પહેલા જ માવઠાની અસર દેખાઇ રહી છે. રવિવાર એટલે કે 26 નવેમ્બર સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગે ગુજરાતના વિવિધ વિભાગો જેવા કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 24 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
જો કે અત્યાર સુધી રાજ્યમાં વાતાવરણ શુષ્ક હતું, પરંતુ એકાએક વાતાવરણમાં પલટો થતાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ ચાલુ પણ થઇ ગયો છે. કમોસમી વરસાદની સૌથી માઠી અસર ખેડૂતોને થાય છે. શિયાળાને બદલે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કારણ કે હાલ ખતેરોમાં માવઠાને લીધે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે રાજ્યમાં આજે અને કાલે એમ બે દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આશરે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ સાથે માવઠાની શક્યતા છે. રાજ્યમાં અમરેલી ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ તથા તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં, સાબરકાંઠા, મહેસાણા, પાટણ તથા ગાંધીનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની સાથે-સાથે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના કોઈ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.