Gujarat

માંગરોળમાં બારે મેઘ ખાંગા થયા: 27 ઇંચ વરસાદ, પાણીનો નિકાલ ન થતા લોકો ગુસ્સે ભરાયા

ગુજરાત: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો (Heavy Rain) કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળમાં 3 દિવસ એટલે કે 18થી 20 તારીખ દરમિયાન 27 ઇંચ જેટલો ભારે વરસાદ થવાને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વરસાદથી તો રાહત મળી પરંતુ વરસાદી પાણી ન ઓસરવાને કારણે માંગરોળના ડેરવાવ, સોલવાવના લોકોએ મામલતદાર કચેરી પર હલ્લા બોલ્યો હતો. એટલું જ નહિ વરસાદના પાણીને કારણે જરીયાવાડમાં બનાવાયેલા પોલ્ટ્રીફાર્મમાં અનેક મરઘાઓ મૃત્યુ પામ્યા હતા.

માંગરોળ આજે ભારે વરસાદથી થોડી રાહત જોવા મળી છે. જ્યારે ત્રણ દિવસમાં તો 27 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ ગરકાવ થઇ ગયા હતા. ચારેબાજુ માંગરોળના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. જો કે વરસાદ બંધ થઇ ગયા હોવા છતાં ભરાયેલ વરસાદી પાણીનું નિકાલ ન થતાં સ્થાનિક લોકોએ મામલતદાર કચેરી પર ધામા નાખ્યા હતા. અહીં ના લોકોનો આક્ષેપ છે કે વરસાદમાં વિરામ હોવા છતાં વરસાદી પાણી ઓસર્યુ નથી તેમજ ડ્રેનેજ સિસ્ટમ વિશેની ફરિયાદ નોંધાવી હતી. તેમ છતામ હજી સુધી કોઇ એકશન લેવામાં આવ્યુ નથી. જેના કારણે તમામ લોકો ગુસ્સે ભરાયા હતા.

મળતી માહિતી મુજબ માંગરોળ તાલુકામાં ભારે વરસાદને કારણે જરિયાવાડામાં પોલ્ટ્રીફાર્મના માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયુ હતું. આ પોલ્ટ્રીફાર્મમાં વરસાદનું પાણી ભરાતા પાંજરામાં હજારો મરઘાઓના મૃત્યુના ઢગલા લાગી ગયા હતા. જે બાદ પોલ્ટ્રીફાર્મના સંચાલકે સરકાર સમક્ષ મદદની માગ કરી હતી. તેમજ તેણે ભારે હૈયે જેસીબીની મદદથી વિશાળ ખાડો ખોદી તમામ મરઘાને દાટી દઈ મૃતદેહોનો નિકાલ કર્યો હતો.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી બાદ ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યુ હતું. જે બાદ મેઘ તાંડવ પણ જોવા મળ્યો હતો. જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિશય વરસાદને કારણે ભારે નુકસાન પણ થયુ હતું. જે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હેલિકોપ્ટર વડે વરસાદને કારણે થયેલ નુકસાનીનું હવાઇ નિરીક્ષણ કર્યુ હતું. તેમજ આ પછી સીએમે જૂનાગઢ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સર્વે માટે જરુરી સૂચના આપી હતી. જો કે 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે.

Most Popular

To Top