Gujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 44 ડિગ્રીથી ઉપર રહેવાની સંભાવના, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. આગામી તા.23મી મે સુધી ગુજરાતમાં ગરમીના સંદર્ભમાં હવામાન વિભાગ દ્વારા યલ્લો એલર્ટા જારી કરી દેવાયુ છે. કામ વિના ગરમીમાં બહાર નહીં નીકળવાની સલાહ અપાઈ છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં સુરેન્દ્રનગરમાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જેના પગલે જિલ્લાના લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. આકાશમાંથી અગન ગોળા વરસતા હોય તે રીતે દિવસ દરમ્યાન સુરેન્દ્રનગરમાં તીવ્ર ગરમીની અસર જોવા મળી હતી. માર્ગો પણ સુમસામ થઈ જવા પામ્યા હતા. બપોરના 1વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી અહીં જાણે જનતા કફર્યુ પડી ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

આગામી પાંચ દિવસ હજુ પણ અમદાવાદ શહેરમા અસહ્ય ગરમી પડવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે. આવતીકાલ તારીખ 19 થી 23 મે દરમિયાન અમદાવાદ શહેરમાં તાપમાન 44 ડિગ્રી થી ઉપર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આગામી બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હજુયે આગામી તા.23મી મે સુધી રાજયમાં ગરમીનો તીવ્ર પ્રકોપ જોવા મળી શકે છે. 45 ડિગ્રી ગરમીમાં સુરેન્દ્રનગરમાં તો પશુ – પંખીઓને પણ અસર થવા પામી હતી. આજે શનિવારે રાજયમાં સુરેન્દ્રનગર ઉપરાંત રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદ , ગાંધીનગર , ડીસા , ભૂજ અને રાજકોટમાં પણ ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોચી ગયો હતો. ખાસ કરીને આ શહેરો માં ગરમીના પ્રકોપના કારણે અચાનક બેભાન થી જવાની ઘટનાઓ બની છે.

અમદાવાદના એરપોર્ટ ખાતે આવેલી હવામાન વિભાગની કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા મુજબ , રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં ૪૪ ડિ.સે.,ડીસામાં ૪૪ ડિ.સે.,ગાંધીનગરમાં 44 ડિ.સે.,વડોદરામાં ૪૨ ડિ.સે.,સુરતમાં 36 ડિ.સે.,વલસાડમાં ૩7 ડિ.સે.,દમણમાં ૩6 ડિ.સે., ભૂજમાં 44 ડિ.સે.,નલિયામાં ૩૯ ડિ.સે.,કંડલા પોર્ટ પર 37 ડિ.સે.,કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે.,અમરેલીમાં 43 ડિ.સે.,ભાવનગરમાં 40 ડિ.સે.,રાજકોટમાં 44 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 45 ડિ.સે.,મહુવામાં ૪1 ડિ.સે., અને કેશોદમાં ૪૧ ડિ.સે.,મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.

અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના અને પગલે મનપા દ્વારા શહેરીજનોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. સાથે જ ઘરની બહાર નીકળતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, તેમજ સમયાંતરે લીંબુ શરબત, છાશ, નારીયલ પાણી પણ પીવું જોઈએ. ગરમીને કારણે ખાવા ઉપર કાબુ રાખવો જોઈએ, અને વધુ માત્રામાં તાજા ફળ ખાવા જોઈએ. ઘરની બહાર નીકળતા પહેલા ગરમીથી બચાવાના તમામ ઉપાયો સાથે રાખીને બહાર નીકળવું જોઈએ.

Most Popular

To Top