Comments

ગુજરાત પાસે પોતાનો કહેવાય એવો વિપક્ષ જ નથી

ગુજરાતમાં ચૂંટણી સમયસર જ આવશે અને તેનું મુખ્ય કારણ ભાજપ નહીં, વિપક્ષો છે. આમ જુઓ તો ગુજરાત વિપક્ષ વિનાનું છે કારણ કે કોંગ્રેસ પાસે જે કાંઈ નેતાઓ બચેલા હતા, તે તો નિયમિત રીતે ભાજપમાં પ્રવેશી રહ્યા છે. એવું લાગે છે કે ચૂંટણી પહેલાં કોંગ્રેસના થાય તેટલા નેતાઓને ભાજપનો કેસરી ખેસ પહેરાવવાનું અભિયાન ભાજપ ગુજરાત અધ્યક્ષ સી.આર.પાટિલને સોંપાયું છે. આ કામમાં તે ખાસ્સા માહિર પણ છે. આ કારણે જ જોયું હશે કે વટલાયેલા કોંગ્રેસીને કેસરી ખેસ પહેરાવવાના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભાગ્યે જ હાજર રહે છે. આ વખતે ગુજરાતમાં આયાતી વિપક્ષોની હાજરીમાં જ ચૂંટણી લડાવાની છે.

એ માટેના નેતા પણ આયાતી જ હશે. ગયા અઠવાડિયે ઓવૈસી પણ ગુજરાત આવી ગયા. તેમના પક્ષે પણ ગુજરાતમાં ચૂંટણી લડવી છે. વીત્યાં ઘણાં વર્ષોથી વિપક્ષ બાબતે ગુજરાતની આ જ હાલત છે એટલે શિવસેના અને શરદ પવારના પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષે પણ ચૂંટણી લડી છે. ગુજરાત પોતાનો વિપક્ષ ઊભો નથી કરી શકતો. એક કોંગ્રેસ જ આ બાબતે દાવેદારી કરી શકે, પણ તેણે જોતજોતામાં પોતાની રાજકીય ક્ષમતા ગુમાવી દીધી છે. તેઓ પોતાનામાં નવા નેતાઓ ઉમેરે પણ પછી તેને સાચવી નથી શકતી અને તેનું છેલ્લું ઉદાહરણ હાર્દિક પટેલ છે. આમ તો વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ છે, પણ તેનોય પ્રભાવ નથી વર્તાતો. જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસમાં નથી પણ તેમનો ઝુકાવ કોંગ્રેસ તરફ છે. તે કોંગ્રેસમાં પ્રવેશતા નથી કારણ કે એ પક્ષ પાસે નવા નેતાને સમાવવા માટેનો કોઈ સ્પષ્ટ રાજકીય અભિગમ જ નથી.

કોંગ્રેસમાં તો નરેશ પટેલ પણ આવી શક્યા હોત, પણ એ પક્ષ એટલો વેરવિખેર છે કે કોઈને તેમાં ભવિષ્ય જણાતું નથી. પણ હવે ભાજપના ગુજરાત પ્રમુખે કોંગ્રેસમાંથી પોતાના પક્ષમાં નેતાઓ લાવવાનું અટકાવી દેવું જોઈએ કારણ કે ત્યાં કોઈ એવા બચ્યા પણ નથી અને તેનાથી મોટો અજંપો પક્ષ સાથે વર્ષોથી કામ કરતા નેતાઓમાં જ ઊભો થશે. આ વખતે ભાજપ માટે વિધાનસભા ઉમેદવાર કોને બનાવવા એ વિશે રમખાણ થવાનું છે. એ વખતે ફરી કેટલાક નેતાઓ પક્ષપલટો કરે એ શક્ય છે. ભાજપ સિવાયના પક્ષમાં રાજકીય અસ્તિત્વ ઊભું કરવા બાબતે દરેક પક્ષના નેતાઓ સમસ્યા અનુભવે છે.

‘આપ’ પોતાને અત્યારથી ભાજપના વિકલ્પ ગણીને ચાલે છે, પણ તેની પાસે એવા 90 ઉમેદવાર પણ નથી કે જેના આધારે તેઓ કહી શકે કે અમારી પાસે મજબૂત નેતૃત્વની ક્ષમતા છે. ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા ભલે કહે કે અમારા પક્ષની લોકપ્રિયતાથી પાટિલના પેટમાં તેલ રેડાયું છે પણ હકીકતે એવી કોઈ લોકપ્રિયતા છે ખરી? હા, ભાજપ સામે વિકલ્પ ઊભો થવાની ક્ષમતા કદાચ ‘આપ’માં છે. પણ તેમણે તો દિલ્હીથી તેડેલા કેજરીવાલ પર જ આધાર રાખવો પડે છે. અલબત્ત, ભાજપ જ્યારે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડે ત્યારે વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર જ આધાર રાખે છે. આ રીતે જ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવા જતાં જબરદસ્ત માર પડેલો. શું કેજરીવાલને એવો જ માર ‘આપ’ વડે ગુજરાતમાં પડશે? ‘આપ’ની ટ્રેજેડી એ છે કે તેઓ નવા સારા યુવા નેતા ગુજરાતમાં ઊભા કરી શકતા નથી. કોંગ્રેસ કે ભાજપમાંથી નેતાઓ ઉપાડવાની તાકાત નથી અને તેવું કરવા જાય તો ઈમેજ પણ બગડે તેમ છે.

હકીકત એ છે કે ગુજરાત હવે યુવા રાજનેતાઓ પેદા કરી શકતું નથી. વીત્યાં દશેક વર્ષમાં તમે કેટલા નવા યુવા નેતા આવ્યા એવું ગણશો? બીજું કે જ્ઞાતિ, વર્ગમાંથી પણ નવા નેતાઓ બહુ ઓછા આવે છે. આદિવાસી, દલિત, ક્ષત્રિય, મુસ્લિમ નેતાઓ ગુજરાતમાં કેટલા? બસ, માત્ર પાટીદાર જ જાણે નેતૃત્વ કરવા માંગતા હોય એવું લાગે છે અને પાટીદાર કાંઈ ગુજરાતના બધા જ મતદાતાઓને માન્ય ન હોઈ શકે. જિજ્ઞેશ મેવાણી કે હાર્દિક પટેલ બહુ મોટું ગુજરાતવ્યાપી પ્રભુત્વ ઊભું કરી શક્યા નથી. જો કે ભાજપ પણ તેમના ત્રણ-ચાર નેતાઓનો જ ગુજરાતવ્યાપી પ્રભાવ ઊભો થાય તેમ ઈચ્છે છે અને તેમાં સી.આર.પાટિલ, હર્ષ સંઘવી, વાઘાણી અને મુખ્ય મંત્રી હોવાને નાતે ભૂપેન્દ્ર પટેલ છે. આ બધાએ પણ મોદી- અમિત શાહનો આધાર રાખવો પડે છે.

પણ મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાત પોતાની ભૂમિ પર પ્રતિપક્ષ રચી શકતો નથી. ગુજરાતને પ્રાદેશિક પક્ષ મંજૂર નથી હોતા એટલે દક્ષિણનાં રાજ્યોમાં યા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, મહારાષ્ટ્રમાં પ્રાદેશિક પક્ષનો પ્રભાવ છે તેવો ગુજરાતમાં નથી. ‘આપ’નું રાજકારણ પ્રાદેશિકતાથી સભર છે ખરું? તેમણે હજુ ગુજરાતમાં કશું કર્યું નથી અને ભવિષ્યનાં સપનાં બતાવી મત મેળવી ન શકાય. ગુજરાત કોઈ પછાત રાજ્ય નથી. ગુજરાતનો મતદાતા અમુક પ્રકારના લક્ષ્ય સાથેના પક્ષને જ મત આપે છે. વળી હિન્દુત્વ તેમના માટે ઘણું મહત્ત્વનું છે અને એ મુદ્દો તો ‘આપ’ છેડી શકે તેમ નથી. કોંગ્રેસની તો વાત જ જવા દો. કદાચ ઓવૈસીનો પક્ષ ગુજરાતમાં ક્યાંક થોડા ઉમેદવાર જીતાડી શકે. ખાસ કરીને અમદાવાદ જેવામાં મુસ્લિમો રાજકીય રીતે ઘવાયેલા છે ને પોતાને ઉપેક્ષિત અનુભવે છે તો તેની જગ્યા ભરવા ઓવૈસી પ્રયત્ન કરશે, પણ ગુજરાત કાંઈ ઉત્તરપ્રદેશ જેવા મુસ્લિમ મતદાતા ધરાવતું નથી.

અલબત્ત, તેથી ભાજપ નચિંત રહી શકે તેમ નથી. મુખ્ય પ્રશ્ન મોંઘવારી છે અને વહીવટમાં ભાજપના નેતાઓ જે ધોંસ બતાવે તે પણ છે. તેઓ જાણે એમ કહી રહ્યા છે કે ગુજરાતમાં તો અમે જ તમારા નેતા છીએ એટલે અમારું કહેલું જ કરવું પડશે. ભાજપના નેતાઓની વર્તણૂક ઘણી વાર માન્ય રાખી શકાય એવી નથી હોતી. તેમણે આ અભિગમ બદલવો જોઈએ પણ આ તો મૂળભૂત સંસ્કારની વાત છે. સત્તા બાબતે અસલામતી અનુભવતો નેતા જ નમ્ર હોઈ શકે. શું આ વખતની ચૂંટણી ભાજપના નેતાઓને નમ્ર બનાવે તેવી અસલામતી ઊભી કરશે?
– બ.ટે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top