Gujarat

ગુજરાત વૈશ્વિક રોકાણનું પસંદગીનું કેન્દ્ર બન્યું છે: સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર : રાજકોટ આજે સૌરાષ્ટ્ર–કચ્છ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિઝનથી વર્ષ 2003માં શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટે રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક મંચ પર ઉજાગર કરી છે. મહાજન, પ્રજાજન અને પ્રશાસનની સંયુક્ત મહેનત તથા સતત યોજાતી વાઇબ્રન્ટ સમિટના પરિણામે આજે ગુજરાત દેશનું “ગ્રોથ એન્જિન” અને રોકાણ માટેનું “મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન” બન્યું છે. છેલ્લા 20 વર્ષમાં રાજ્યમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવવું એ તેની મોટી સિદ્ધિ હોવાનું તેમણે જણાવ્યું.

મુખ્યમંત્રીએ વધુમાં કહયું હતું કે ગુજરાત આજે “ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર” તરીકે પ્રગતિના નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગ્રીન એનર્જી જેવા ઊભરતા ક્ષેત્રોમાં ગુજરાત ઝડપથી વૈશ્વિક હબ બની રહ્યું છે. તેમણે જણાવ્યું કે 2024ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા 98 હજાર એમઓયુમાંથી 25,500 એમઓયુ સૌરાષ્ટ્ર–કચ્છના હતા અને તેમાંના 78 ટકા પ્રોજેક્ટ્સ કમિશન થઈ ચૂક્યા છે.

કચ્છ–સૌરાષ્ટ્ર પ્રદેશ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે અહીંના 12 જિલ્લાઓ રિન્યુએબલ એનર્જી, વર્લ્ડ ક્લાસ પોર્ટ્સ, શિપ બિલ્ડિંગ, એગ્રો પ્રોસેસિંગ, સિરામિક, કેમિકલ, ફિશરીઝ અને બ્લુ ઇકોનોમી જેવા ક્ષેત્રોમાં રોકાણ માટે મજબૂત ઇકોસિસ્ટમ ધરાવે છે. “વોકલ ફોર લોકલ, લોકલ ફોર ગ્લોબલ”ની વિચારધારાને સાકાર કરવા રાજ્ય સરકારે જિલ્લાકીય GDPનો અભિગમ અપનાવ્યો છે અને રાજ્યમાં છ રીજનલ ગ્રોથ હબ વિકસાવવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના “સોમનાથ સ્વાભિમાન પર્વ”એ જનજનમાં આસ્થા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપી છે.

આ રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એક સમયે ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાત “વાપીથી તાપી” સુધી જ ઓળખાતું હતું, પરંતુ વર્ષ 2003માં પીએમ નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરીને રાજ્યને રોકાણ અને મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક કેન્દ્ર બનાવ્યું. શરૂઆતમાં માત્ર 80 એમઓયુથી શરૂ થયેલી આ પહેલ આજે 98,000 પ્રોજેક્ટ્સની સફળતા સુધી પહોંચી છે.

સંઘવીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર–કચ્છ રિજનલ કોન્ફરન્સમાં 400થી વધુ એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે અને 16થી વધુ દેશોના પ્રતિનિધિઓ રિવર્સ બાયર્સ–સેલર્સ મીટમાં ઉપસ્થિત રહ્યા છે, જે MSME સહિતના અનેક સેક્ટર્સ માટે નવી તકો સર્જશે. તેમણે ઉમેર્યું કે રોડ, રેલ, પોર્ટ અને એર કનેક્ટિવિટી સહિતનું મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્થિર ઔદ્યોગિક નીતિ અને “ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ”ના 23 પેરામિટર પર થયેલી નોંધપાત્ર કામગીરી ગુજરાતને રોકાણકારો માટે શ્રેષ્ઠ બનાવે છે. ગિફ્ટ સિટી, ધોલેરા સ્માર્ટ સિટી તેમજ સાણંદ–બેચરાજી જેવા ઔદ્યોગિક હબ ગુજરાતની મજબૂત ઇકોસિસ્ટમના ઉદાહરણ છે.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સાવરકુંડલા (અમરેલી), ભાવનગર, જામનગર, કચ્છ, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર એમ સાત જિલ્લામાં 3,540 એકરમાં વિકસાવાનારા 13 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જાહેરાત કરી હતી. સાથે જ રાજકોટ જિલ્લાના નાગલપર ખાતે 336 એકરમાં નિર્મિત મેડિકલ ડિવાઇસ પાર્કનું ઇ-લોકાર્પણ પણ કરાયું હતું.

Most Popular

To Top