ગાંધીનગર: (Gandhinagar) રાજ્યભરમાં આવતીકાલ તા.11મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો (Board Exam) પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં રાજ્યભરમાંથી અંદાજે 16.76 લાખ વિદ્યાર્થીઓ (Student) બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા રાજ્યભરમાં 1634 કેન્દ્ર પર લેવામાં આવશે. જેમાં ધોરણ 10ની પરીક્ષા 84 ઝોનમાં 981 કેન્દ્ર પર, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષા 56 ઝોનમાં 653 કેન્દ્રો પર લેવામાં આવશે.
- આજથી ધો-10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ, 16.76 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- PATA એપ દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરાશે
- રાજ્યની જુદી જુદી જેલોમાં બંધ ધો. 10નાં 73 અને ધો. 12નાં 57 કેદી પણ પરીક્ષા આપશે
રાજ્યભરમાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ વખતે ધોરણ 10માં 9.17 લાખ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.11 લાખ, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4.89 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 20,000થી વધુ રીપીટર વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ભાગ લેશે.
રાજયમાં બોર્ડની પરીક્ષાના તમામ પરીક્ષા સ્થળો (બિલ્ડીંગો) C.C.T.V. કેમેરાની દેખરેખ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. PATA એપ્લીકેશન દ્વારા પ્રશ્નપત્રોની ઝોનલ કચેરીથી પરીક્ષા સ્થળ સુધી અને પરીક્ષા સ્થળ ખાતે પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર પહોંચે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષાર્થીઓ પરીક્ષા સ્થળ કે પરીક્ષા ખંડમાં મોબાઈલ કે અન્ય ઈલેક્ટ્રોનિક ગેઝેટ લઈ જવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઉપરાંત બોર્ડની પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીઓને રસ્તામાં ટ્રાફિકની સમસ્યા નડે તો પોલીસની મદદ લેવા પણ જણાવવામાં આવ્યું છે. 100 નંબર પર ફોન કરવાથી પોલીસ વિદ્યાર્થીની મદદ કરશે. આ પરીક્ષામાં જુદી જુદી જેલોમાં બંધ કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ 10માં 73 અને ધોરણ 12માં 57 કેદી પરીક્ષા આપશે.