છેલ્લાં પાંચ દિવસથી રાજ્યમાં પોલીસ (Police) કર્મચારીઓ અને તેમના પરિવારજનો પગારના મુદ્દે આંદોલન (Protest) કરી રહ્યાં હતાં. ગયા રવિવારે હાર્દિક પંડ્યા નામનો કોન્સ્ટેબલે ગાંધીનગરમાં ધરણાં પર બેઠો ત્યાર બાદ આ આંદોલન શરૂ થયું હતું, જે આજે પાંચ દિવસ બાદ પૂરું થયું છે. આજે ગૃહરાજ્ય (Home Minister) મંત્રી હર્ષ સંઘવી (Harsh Shangvi) સાથે આંદોલનકારી પોલીસ કર્મચારીઓના પરિવારજનોની એક મિટીંગ મળી હતી. ત્યાર બાદ મોટા સમાચાર આવ્યા છે.
ગ્રેડ પે મામલે ગુજરાત પોલીસનું ચાલી રહેલું આંદોલન આખરે પૂરું થયું છે. ગુજરાત સરકારે ગ્રેડ પે મામલે એક કમિટી રચવાની જાહેરાત કરતા પોલીસના ચહેરા પર હર્ષની લાગણી છવાઈ ગઈ છે. આજે પોલીસે આંદોલન સમેટી લીધું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસના પરિવારજનોને ખાતરી આપી હતી કે અમારી સરકાર પોઝિટીવ છે. આ અમારા પરિવારનો વિષય છે. આંતરીક મસલત કરીને જ પરિવારનો મામલાનો ઉકેલ આવશે. આ સમસ્યાના નિવારણ માટે સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં એક GAD, ફાઈનાન્સ અને એક પોલીસમાંથી સભ્ય બનાવાશે.
મિટીંગ બાદ પોલીસના પરિવારજનો પણ સંતુષ્ટ દેખાયા હતા અને હકારાત્મક પરિણામની આશા સાથે તેઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા.ગૃહમંત્રીના આશ્વસન બાદ પોલીસ કર્મચારી અને તેમના પરિવારજનોએ આંદોલન સમેટી લીધું છે.
ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ પરિવારો વચ્ચે લગભગ 20 થી 25 મિનીટ સુધી બેઠક ચાલી હતી. તેના બાદ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગ્રેડ પે મામલે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. પોલીસના પરિવારજનો દ્વારા મુકવામાં આવેલા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. આ મીટિંગમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા તથા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અગાઉ રવિવારે કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાના ધરણાં બાદ રાજ્યના પોલીસ મહેકમમાં આગની જેમ વિરોધ વંટોળ ઉભો થયો હતો. શિસ્તને વરેલા પોલીસ કર્મચારીઓ આંદોલન કરી શકતા નથી, પરંતુ આ વખતે તેમના પરિવારજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, આમોદ, સુરત સહિત રાજ્યના અનેક ઠેકાણે પોલીસ પરિવારજનોએ થાળી વગાડી, ધરણાં પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો. નાના બાળકો અને મહિલાઓ પણ હાથમાં પ્લે કાર્ડ લઈ દેખાવમાં જોડાયા હતા. અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે પણ અનેક પોલીસ પરિવાર એકત્ર થયા હતા. તેઓએ થાળી વેલણ વગાડીને સરકારના કાન સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.