સુરત: (Surat) પેટ્રોલની (Petrol) વધતી કિંમતના લીધે કાર (Car) ચાલકો પોતાની કારમાં સીએનજી (CNG) કીટ ફીટ કરાવી રહ્યાંછે, ત્યાં હવે નવી મોકાણ સર્જાઈ છે. ગુજરાત ગેસ (Gujarat Gas) દ્વારા સીએનજીની કિંમતમાં ફરી એકવાર વધારો કરી દેવાયો છે. કંપનીએ છેલ્લાં 40 દિવસમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો 11.63 રૂપિયાનો વધારો કર્યો છે, જેના લીધે સીએનજી એટલું મોઘું થયું છે કે લોકો હવે પસ્તાઈ રહ્યાં છે.
- ગુજરાત ગેસ દ્વારા સીએનજીમાં 2.60 અને પીએનજીમાં 3.91 રૂપિયાનો વધારો કરાયો
- સુરતમાં સીએનજીની કિંમત 82.16 રૂપિયા પર પહોંચી
- અદાણ ગેસ અને ગુજરાત ગેસમાં સીએનજીના ભાવ વધારવા જાણે હોડ જામી
ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના (PNG) ભાવમાં વધારો કરાયો છે. સીએનજીની કિંમતમાં 2.60 રૂપિયા પ્રતિ કિલો અને પીએનજીની કિંમતમાં 3.91 રૂપિયાનો વધારો કરાયો છે. વીતેલા 40 દિવસમાં આ ત્રીજી વખતનો વધારો છે. આ અગાઉ કંપનીએ 6 એપ્રિલે સીએનજીની કિંમતમાં 6.45 રૂપિયાનો અને ત્યાર બાદ 14 એપ્રિલે 2.58 રૂપિયાનો વધારો કર્યો હતો. આમ ગુજરાત ગેસ કંપનીએ 40 દિવસમાં 11.63 રૂપિયાનો વધારો ઝીંક્યો છે, જે કારચાલકો માટે કમરતોડ સાબિત થયો છે.
પીએનજીનો જૂનો ભાવ 44.14 રૂપિયા એસસીએમ હતો જે હવે વધીને 48.05 થયો છે, જ્યારે એમએમબીટીયુનો ભાવ 1417 રૂપિયા થયો છે. બીજી તરફ ગુજરાત ગેસના સીએનજીનો ભાવ 82.16 રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે અદાણી ગેસના સીએનજીનો ભાવ 82.59 છે. બંને કંપનીના ભાવ લગભગ સરખા થઈ જતા કારચાલકો પાસે હવે કોઈ સસ્તો વિકલ્પ રહ્યો નથી.
બે વર્ષમાં સીએનજીની કિંમતમાં 30 રૂપિયાનો વધારો થયો
વીતેલા બે વર્ષમાં પેટ્રોલ અને સીએનજી બંનેના ભાવ વધતા કારચાલકોની મુશ્કેલી વધી છે. પેટ્રોલની કિંમત તો જગજાહેર છે. પરંતુ સીએનજીના ભાવ પણ પાછલા બારણે સતત વધી રહ્યાં છે. 2021ના જાન્યુઆરીમાં સીએનજી 52.45 રૂપિયાના ભાવે મળતું હતું, તે અત્યારે 82.16 પર પહોંચ્યું છે. આમ બે વર્ષમાં સીએનજીની કિંમતમાં પ્રતિ કિલોએ 30 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે.