Gujarat

આજે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા, ગેરરીતિ ન થાય તે માટે આ પગલાઓ લેવાયા

અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) છેલ્લા 3 વર્ષમાં 3 વાર રદ્દ કરાયેલી પરીક્ષા આજે લેવાઇ રહી છે. જો કે આ પરીક્ષામાં (Exam) પેપર લીકના બનાવો બન્યા હોવાના વિવાદ બાદ આખરે આજે આ પરીક્ષા લેવાઇ રહી છે. ઉમેદવારોમાં આજે પણ ડરનો માહોલ દેખાયો હતો. બિનસચિવાલય ક્લાર્કની (Non-Secretariat Clerk) પરીક્ષા માટે 10 લાખ 45 હજાર ઉમેદવારો નોંધાયા છે. રાજ્યના 32 જિલ્લાના 3,243 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યા કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી ફરી એકવાર કોઇ પણ જાતની ગેરરીતિ ન થઇ શકે. આજે એટલે કે 24 એપ્રિલ 2022ના રોજ બપોરે 11.00 થી 1.00 વાગ્યા દરમિયાન બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ -૩ સંવર્ગની સીધી ભરતી માટેની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી રહી છે.

અગાઉ બનેલા પેપર લીકના કારણોસર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં આજે પણ ઉમેદવારોમાં ડરનો માહોલ છવાયો હતો. તેથી આ વખતની પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે પ્રથમ વાર જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક ખાસ એપ્લિકેશન તૈયાર કર્યુ છે. જેનાથી પેપરની દરેક નાનીમોટી મુવમેન્ટ પર નજર રાખવામાં આવશે. તેમજ ચુસ્તપણે નિયમોનુ પાલન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રની 100 મીટરની ત્રિજ્યામાં ફોટો કોપીની દુકાન ખુલ્લી હશે તો તેની સામે પોલીસ ગુનો નોંધી શકે છે, પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ સાથે પ્રવેશ પર મનાઇ, તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમરાથી મોનીટરીંગ, સૌપ્રથમ વાર પરીક્ષા કેન્દ્ર પર દરેક ઉમેદવારની મેટલ ડિટેક્ટર તેમજ ફિઝિકલ એમ બે વાર ચેકિંગ કરવામાં આવી તેમજ આ વખતે શહેર પ્રમાણે પેપરના સ્ટોર રૂમ રાખવામાં આવ્યા હતા.

લાંબા સમયથી પરીક્ષાની રાહ જોઇ રહે્લા વિદ્યાર્થીઓએ એવી આશા વ્યક્ત કરી છે કે આ વખતે તો પરીક્ષા શાંતિપૂૂર્ણ લેવાઇ જોય અને પરીક્ષામાં કોઇ અડચણ ન આવે. કારણ કે છેલ્લા 3 વર્ષમાં 3 વાર પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી વિદ્યાર્થીઓમાં રોષ સર્જાયો હતો. પ્રથમ વાર પેપર લીક થવાને કારણે પરીક્ષા તત્કાલ રદ્દ કરવામાં આવી હતી. ત્યાર બાદ પરીક્ષા અંગે લાયકાતમાં ફેરબદલ કરવાના નિર્ણયને લઈ વિરોધ થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. પછી છેલ્લે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ બદલાવાને કારણે પરીક્ષા રદ્દ કરાઇ હતી.

જો કે પરીક્ષા પહેલા એટલે કે શનિવારે જ બોર્ડ દ્વારા વડોદરા કેન્દ્રના સરનામામાં ફેરફાર કરવામાં આવ્યુ હતુ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવે જણાવ્યુ હતુ કે સુધારેલ સરનામા વગરના કોલ લેટર પણ માન્ય ગણાશે.

.

Most Popular

To Top