ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણીઓ (Election) માટે ગુજરાતનું (Gujarat) ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન (Voting) યોજાશે અને 14 જિલ્લાની 93 બેઠકો માટે તા.5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. આ બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મથકો અને મતદાન સ્ટાફનું જરૂરી તમામ આયોજન થઈ ગયું છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના ઈવીએમ અને વીવીપેટ પણ તૈયાર થઈ ગયા છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1,482 પુરૂષ અને 139 મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ-અપક્ષના કુલ 1,621 હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં તા.01 ડિસેમ્બર અને તા.05 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનાર છે. પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં થનાર મતદાન માટે કુલ 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. જેમાં 1,24,33,362 પુરૂષ, 1,15,42,811 મહિલા તથા 497 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લાઓમાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. એમ બંને તબક્કામાં થઈ 2,53,59,863 પુરૂષ, 2,37,74,146 મહિલા અને 1,391 ત્રીજી જાતિના મળી કુલ 4,91,35,400 મતદારો નોંધાયેલા છે.
રાજ્યમાં સર્વિસ વોટરની કુલ સંખ્યા 27,877 છે. પ્રથમ તબક્કામાં 9,371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9,606 સેવા મતદારો જ્યારે બીજા તબક્કામાં 17,607 પુરૂષ અને 664 મહિલા મતદારો મળી 18,271 સેવા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. વિધાનસભાની ચૂંટણી-2022માં વિદેશમાં વસતા ભારતીય મતદારો પણ ગુજરાતમાં પોતાના રહેઠાણના વિસ્તાર સંબંધિત મતદાન મથક ખાતે મત આપી શકે છે. અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 823 ભારતીય મતદારો નોંધાયા છે. પ્રથમ તબક્કામાં 125 પુરૂષ અને 38 મહિલાઓ મળી 163 મતદારો તથા બીજા તબક્કામાં 505 પુરૂષ અને 155 મહિલાઓ મળી 660 વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
બે તબક્કામાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 જ્યારે બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા મળી કુલ 833 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર 1,482 પુરૂષ અને 139 મહિલા મળી વિવિધ રાજકીય પક્ષ-અપક્ષના કુલ 1,621 હરિફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટે 6,215 શહેરી મતદાન મથક સ્થળો પૈકી પ્રથમ તબક્કામાં 3,331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે. જ્યારે 11,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 16,416 મતદાન મથકો આવેલા છે. બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો આવેલા છે.
જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે. આમ રાજ્યભરમાં 29,357 મતદાન મથક સ્થળો પર કુલ 51,839 મતદાન મથક આવેલા છે. રાજ્યના તમામ મતદાન મથકો પર મળી કુલ 70,763 બેલેટ યુનિટ, 70,763 કંટ્રોલ યુનિટ તથા 79,183 વીવીપેટનો ચૂંટણી પ્રક્રિયા માટે ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 34,324 બેલેટ યુનિટ, 34,324 કંટ્રોલ યુનિટ તથા 38,749 વીવીપેટ જ્યારે બીજા તબક્કામાં 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
ચૂંટણી પ્રક્રિયાના સરળ સંચાલન માટે કુલ 2,20,288 તાલીમબદ્ધ અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવશે. પ્રથમ તબક્કામાં 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ ઑફિસર્સ જ્યારે બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.