ગાંધીનગર: રાજયમાં બે તબક્કામા મતદાન (Voting) થવાનું છ ત્યારે કુલ 1621 ઉમેદવારો પૈકી 330 જેટલા ઉમેદવારો સામે ગુનાઓ દાખલ થયેલા છે. તેમજ 192 જેટલા ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. 456 ઉમેદવારો કરોડપતિ છે. જયારે 3.58 કરોડ એ ઉમેદવારોની સરેરાશ મિલકત દર્શાવાઈ છે.પ્રથમ તબક્કામાં 788 અને બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. પ્રથમ તબક્કા માટે તા.1લી ડિસે. તથા બીજા તબક્કા માટે તા.5મી ડિસે.ના રોજ મતદાન થવાનું છે. 2017ની ચૂંટણી વખતે બે તબક્કાના 1815 ઉમેદવારો પૈકી 253 જેટલા ઉમેદવારો સામે ગુના દાખલ થયેલા હતા. 2017ની ચૂંટણીમાં 154 ઉમેદવારો સામે ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયેલા હતા.
એસો. ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ (એડીઆર) દ્વારા આજે સવારે જાહેર કરાયેલા ગુજરાત ઈલેકશન વોચ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર , ભારતીય ટ્રાઈબલ પાર્ટીના 26માંથી 8, કોંગ્રેસના 179 ઉમેદવારોમાંથી 60 અને ભાજપના 182 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો અને આપના 181માંથી 61 ઉમેદાવરો સામે ગુનાઓ દાખલ થયેલા છે.18 જેટલા ઉમેદાવરો એવા છે કે જેમની સામે મહિલા વિરુદ્ધ અત્યાચારના ગુના દાખલ થયેલા છે. જે પૈકી એક ઉમેદવાર એવો છે કે જેની સામે બળાત્કારનો ગુનો દાખળ થયેલો છે. પાંચ ઉમેદવારો એવા છે કે જેમની સસામે હત્યાનો ગુનો તથા 20 ઉમેદવારો એવા છે કે જેમની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખળ થયેલો છે. 192 ઉમેદવારો એવા છે કે તેમની સામે ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે. ગુજરાતમાં 182માંથી 44 બેઠકો એવી છે કે જેને રેડ એલર્ટ મત વિસ્તારો જાહેર કરાયેલા છે.
કરોડપતિ ઉમેદવારો પૈકી ભાજપના માણસાના ઉમેદવાર જે એસ પટેલ પાસે 661 કરોડ , સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂત પાસે 372 કરોડ અને આપના ડભોઈના ઉમેદવાર અજીતસિંહ ઠાકોર પાસે 343 કરોડ,રાજકોટ દક્ષિણના ભાજપના ઉમેદવાર રમેશ ટિલાળા પાસે 175 કરોડ, કોંગીના રાજકોટ પૂર્વના ઈન્દ્રનીલ રાજયગુરૂ પાસે 162 કરોડ તથા ભાજપના માણાવદર બેઠકના જવાહર ચાવડા પાસે 130 કરોડની સંપત્તિ હોવાનું આ ઉમેદવારોએ તેમના સોગંદનામામાં જણાવ્યું છે. ભાજપના 182માંથી 154, કોંગીના 179માંથી 142 અને આપના 181માંથી 68 ઉમેદવારો કરોડપતિ છે. કુલ 456 જેટલા ઉમેદવારો કરોડપતિ છે.