Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની સંભાવના

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીઓ (Election) નજીકમાં છે, ત્યારે રાજકીય પાર્ટીઓ (Party) એકબીજા સાથે ગઠબંધન કરતી હોય છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. આજે પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા અને એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થાય તે દિશામાં જ ચર્ચાઓ થઈ હતી.

પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્માએ કહ્યું હતું કે આજે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી સાથે બેઠક યોજાઈ હતી. અગાઉ પણ તેમની સાથે બેઠક યોજાઈ છે. વિધાનસભાની ચૂંટણીમાં તેમની સાથે ગઠબંધન કરવું કે કેમ તે અંગેનો નિર્ણય દિલ્હીમાં હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આજે અશોક ગહેલો પણ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમની સાથે પણ કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. એનસીપી સાથે મહારાષ્ટ્રમાં અમે સરકાર ચલાવી છે. ઉપરાંત યુપીએ ગઠબંધનમાં તેઓ સહયોગી રહ્યા છે.

કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની સંભાવનાઓને જોતા એનસીપી દ્વારા ચારથી પાંચ બેઠકો ઉપર દાવો કરવામાં આવી શકે છે. ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એનસીપી ઉમરેઠથી પ્રદેશ અધ્યક્ષ જયંત બોસ્કી, નરોડા બેઠક પરથી નિકુલસિંહ તોમર, ગોંડલ બેઠક પર રેશ્મા પટેલ, જ્યારે કુતિયાણા બેઠક પર કાંધલ જાડેજાની ટિકિટની માંગ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જો કે ગઠબંધન અંગે આગામી દિવસોમાં બંને પાર્ટીના હાઈકમાન્ડ સાથે બેઠક યોજી અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top