અમદાવાદ: આજે પ્રથમ ચરણની ૮૯ સીટોનું મતદાન (Voting) સંપન્ન થયું છે. સમગ્ર ગુજરાતની (Gujarat) પ્રજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પરિવર્તનના ઉત્સવને સંકલ્પ સ્વરૂપે મનાવ્યો છે, તે બદલ દરેક મતદાતાઓનો કોંગ્રેસ (Congress) પક્ષ વતી ખૂબ ખૂબ આભાર માને છે. સાથે જ ગુજરાત કોંગ્રેસનો મેનીફેસ્ટો એ અમારો દ્રઢ સંકલ્પ છે. અપાયેલા દરેક વચનો કોંગ્રેસની સરકાર આવતાની સાથે જ પુરા કરવામાં આવશે, તેવું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.
જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતુ કે, પ્રત્યેક વ્યક્તિને ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સારવાર, તમામ દવાઓ વિનામૂલ્યે, ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ, રૂ. ૫૦૦માં ઘરેલું ગેસ સિલિન્ડર, યુવાનો માટે ૧૦ લાખ સરકારી નોકરીની તક, બેરોજગાર યુવાનોને માસિક રૂ. ૩૦૦૦નું બેરોજગારી ભથ્થું, સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પ્રથાનો અંત, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ, ૩,૦૦૦ સરકારી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થપાશે, દીકરીઓને KGથી PG સુધીનું શિક્ષણ નિઃશુલ્ક, કિડની, લિવર અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નિઃશુલ્ક, આધુનિક સુવિધાઓથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવવામાં આવશે, કોરોનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને રૂ. ૪ લાખની સહાય, શહેરી વિસ્તારોમાં ૧૦૦ દિવસની રોજગારી ગેરંટી યોજના સાથે માથા આઠ રૂપિયામાં પૌષ્ટિક ભોજનની વ્યવસ્થા, ગુજરાતમાં કોંગ્રેસે જે વચનો આપ્યા છે તે પુરાં કરશે. ગુજરાતના પ્રથમ ચરણના મતદારોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે કોંગ્રેસની તરફેણમાં મતદાન કરીને લોકશાહીને મજબૂત બળ પુરું પાડ્યું છે. આ સાથે તા. ૫ ડીસેમ્બરના રોજ બીજા ચરણના દરેક મતદારોને કોંગ્રેસની તરફેણમાં મત આપી લોકશાહીના પર્વને કર્તવ્યનિષ્ઠાથી નિભાવવા નમ્ર અપીલ છે.