ગાંધીનગર: સુરક્ષિત, સદભાવના, સમરસ્તાવાળુ, એકતાનું વાતાવરણ એ ગુજરાતનો (Gujarat) સ્વભાવ બન્યું છે. ગુજરાત એકજૂટ થયું અને વિભાજનકારી શક્તિને ગુજરાતમાં પગપેસારો કરવાની તાકાત ન મળી અને તેના કારણે કોંગ્રેસની (Congress) વિદાય થઇ છે. કોંગ્રેસે જો ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો હશે તો ભાગલા કરો અને રાજ કરો ની વાત છોડવી પડશે. કોંગ્રેસે જાતિવાદ, વોટબેંક, કોમવાદના રંગ છોડવા પડશે. કોંગ્રેસે ખૂબ પ્રયત્નો કર્યા કે નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર ન પહોંચે. દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદાના કામમાં જેટલા આડા આવવી શકાતુ હતું એટલી બધી રીતે પ્રયત્નો કર્યા. જેમણે ગુજરાતને તરસ્યુ રાખ્યુ તે 40-40 વર્ષ સુધી નર્મદાને રોકી રાખી તેવા લોકો સાથે કોંગ્રેસ પદયાત્રા કરે છે આ વાત ગુજરાત કયારેય માફ નહી કરે, તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાલીતાણામાં જનસભાને સંબધતા જણાવ્યું હતું.
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના અંતિમ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવવાથી ચૂંટણી પ્રવાસ ખેડયો હતો આજે તેમણે પાલીતાણા કચ્છના અંજાર અને જામનગરમાં જનસભાઓને સંબોધન કર્યું હતું. પાલીતાણામાં જનસભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે આ ચૂંટણી આપણું ગુજરાત સમૃદ્ધ બને અને વિકાસની નવી ઉંચાઇ પ્રાપ્ત કરે તેનો નિર્ણય કરશે.આઝાદીના 100 વર્ષે દેશના વિકાસની નવી ઉંચાઇ પર લઇ જવાની આ ચૂંટણી છે. કોંગ્રેસની મૂળ વિચારઘાર ભાગલા કરો અને રાજ કરો. વર મરો,કન્યા મરો પણ ગોર મહારાજનું તરભાણુ ભરો આ કોંગ્રેસની ચાલાકી હતી.ગુજરાત અને મરાઠાઓને લડાવાનું કામ કોંગ્રેસ કરતી હતી. ગુજરાતમાં કાઠીયાવાડ અને ગુજરાતને લડાવાનુ કામ કર્યુ.ગુજરાતના લોકો જાગૃત છે, ગુજરાતે એકતાનો રસ્તો અપનાવ્યો, આ એકતાના રસ્તાના પરિણામે એક જમનામાં મંદિર અને બજારોમાં બોમ્બ ધડાકા થતા ત્યારે સુરક્ષાના વાતાવરણ આપાવવામાં ગુજરાતની જનતાએ એકતાની તાકાત પકડી. ગુજરાત આજે 20 વર્ષથી નિરાંતર વિકાસ કરી રહ્યું છે.
આ દેશમાં કોઇ જૈન પરિવાર એવો ન હોય કે જેણે પાલિતાણા દર્શન આવવાનું મન ન થાય તેના માટે વ્યવસ્થાઓ કરવમાં આવી રહી છે. મહાત્મા ગાંધીને યાદ કરીને હેરિટેજ સર્કિટ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. આજે આ પંથક ટુરિઝમનું નવુ ક્ષેત્ર બનશે. કોંગ્રેસે ગામડાને ભુલવાનું જ કામ કર્યુ છે. ભાજપ સરકારે ગામડામાં ઇન્ટરનેટ, મોબાઇલ કનેકશન, કનેકટીવિટી, ઓનલાઇન સર્વિસ માટે તેજ ગતીથી કામ ચાલી રહ્યુ છે.
કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશ્મન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના અંજારમાં જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ એટલે કચ્છની ઘોર દુશમન.કચ્છની પહેલી પ્રાથમિકતા પાણી હતી અને કચ્છમાં પાણી ન પહોંચે તે માટે ખેલ કરતા હતા તેમની જોડે દોસ્તી હતી. કચ્છને પાણી ન મળે તે માટે ષડયંત્ર થતું રોડા અટકાવવાનું કામ થતું હતું. નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતુ કે દેશની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે ભારત વિકસીત હોય તેવો સંકલ્પ છે. 2022ની ચૂંટણી મહત્વપુર્ણ છે તેમાં પાંચ વર્ષનો નહી 25 વર્ષનો નિર્ણય કરવાનો છે. કચ્છના લોકોને ભરોસો જ નોહતો કે કોણ આવશે જે નર્મદાનું પાણી પહોંચાડશે. વિપરીત વાળામાં વાતારણમાં પણ નર્મદા માતાના નીર પહોંચે છે. આજે કચ્છ પાણીદાર બન્યું છે. કચ્છમાં આજે પર્યટનનો વિકાસ થયો છે. કેટલી નવી સંભાવનાવો પડી છે અને આજે આખુ રાજસ્થાન જોવા જેટલો સમય લાગે તેના કરતા વધુ દિવસ કચ્છ જોવા માટે લાગે છે. કચ્છમાં ત્રણ મહિનામાં પાંચ લાખ ટુરિસ્ટ આવે છે. આ કંડલા 25 વર્ષ પહેલા સાત કરોડ રૂપિયાનું એકસપોર્ટ થતું, આજે ત્યાથી 9 હજાર કરોડ રૂપિયાનું એક્સપોર્ટ થાય છે. મુંદ્રા દેશના કાર્ગો હેન્ડલીંગમાં નંબર એક પર પહોંચ્યુ છે. ગ્રીન હાઇડ્રોડનથી ભવિષ્યમાં કોર ચાલવાની છે અને ગ્રીન હાઇડ્રોજનનું મોટુ હબ કચ્છમાં બનાવાનું છે. આ વખતની ચૂંટણીમાં પોલીંગ બુથમાં ઐતિહાસીક મતદાન કરી ભાજપને જંગી મતોથી જીતાડજો તેમ વિનંતી કરી.
જામનગર આગામી દિવસોમાં વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસિનનું સેન્ટર બનશે
જામનગરમાં જન સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી પાંચ વર્ષ માટે નથી, આગામી 25 વર્ષના ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. જામનગર આગામી દિવસોમાં વિશ્વમાં ટ્રેડિશનલ મેડિસિનનું સેન્ટર બનશે. ભાજપ એ યુવા પેઢીને સશક્ત કરવાનું કામ કર્યું છે, 5જી આવવાની તૈયારીઓ છે, ભાજપે આધુનિક પદ્ધતિ દ્વારા ડ્રોનની મદદથી જમીનની માપણીની શરૂઆત કરી છે, અને વચેટીયાઓને ખતમ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં આયુષ્યમાન ભારત આરોગ્ય જનયોજનાઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પહેલા 11 મેડિકલ કોલેજો હતી આજે 36 મેડિકલ કોલેજો છે . 20 વર્ષ પહેલા સરકારી હોસ્પિટલમાં 15000 બેડ હતા આજે 60000 બેડ ઉપલબ્ધ છે. સાગર માળા યોજનાથી કોસ્ટલ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. બેટ દ્વારકાનો સિગ્નેચર બ્રિજ દુનિયામાં ઓળખનું કેન્દ્ર બન્યું છે. ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે પણ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે.