ગાંધીનગર : રાજ્યભરના (Gujarat) ખેડૂતોને (Farmers) પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવી રહ્યાં છે ત્યારે શિક્ષણ રાજ્ય મંત્રી (Minister of State for Education) પ્રફુલભાઈ પાનશેરીયાએ પોતાના કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતોને ખાસ પ્રેરણા પૂરી પાડી છે. આજે તારીખ 21મી ડિસેમ્બર, 2023ના રોજ રાજયપાલ (Governor) આચાર્ય દેવવ્રતે મંત્રીના નિવાસસ્થાને સ્વદેશી જીવામૃત ખાતરથી ઉછરેલી શાકભાજીના છોડનું નિરીક્ષણ કરી આ પહેલની પ્રશંસા કરી હતી.
પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકમાં પ્રાકૃતિક ખેતી વિષયક પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આવનારા શૈક્ષણિક વર્ષથી ધોરણ ૧૧માં પણ પ્રાકૃતિક ખેતીના પ્રકરણનો સમાવેશ કરવામાં આવશે.
શિક્ષણમાં પ્રાકૃતિક ખેતીના અભ્યાસક્રમનો સમાવેશ કર્યો છે ત્યારે રાજયકક્ષાના શિક્ષણ મંત્રીએ પ્રાકૃતિક ખેતીનો જાત અનુભવ કરવા અને તેને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા આઠ માસથી પોતાના જ નિવાસસ્થાને કિચન ગાર્ડનમાં પ્રાકૃતિક પધ્ધતિથી બનાવેલું ખાતર, દેશી ગાયનું ગોબર-ગૌમુત્ર, દેશી ગોળ, ચણાનો લોટ અને માટીના મિશ્રણથી ખેતીનું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ આપ્યું છે.
પ્રફુલભાઈ પાનશેરીયાએ કહ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક આપદાઓ વધી રહી છે ઉપરાંત જમીન બિનઉપજાઉ બની રહી છે ત્યારે પર્યાવરણના સંતુલનને જાળવી રાખવામાં પ્રાકૃતિક ખેતી મદદ કરે છે, ઓછાં ખર્ચે, ઓછાં પાણીએ ઝેરમુક્ત ખેતી થકી ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બની શકે છે.