Gujarat

રાજ્યમાં 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિમણૂંક કરવા શિક્ષણમંત્રીની જાહેરાત

ગાંધીનગર: (Gandhinagar) કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય (Education) શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુથી રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા ૧૦,૦૦૦ જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ (Appointment) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે 10 વર્ષ બાદ શિક્ષકોની બદલી-બઢતીના (Teachers Promotion) નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. શિક્ષણ વિભાગના આ નિર્ણયની અસર રાજ્યના 2 લાખ શિક્ષકોને થશે.

  • 10,000 પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિમણૂંક થશે
  • સરકારી – ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની ઘટ પૂરી કરવા રાજ્ય સરકારનો નિર્ણય

તાજેતરમાં સરકારે પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નવા નિયમોની પણ જાહેરાત કરી છે, જેના પગલે અગાઉ જે પ્રાથમિક શિક્ષકોની બદલીના આદેશો થયા છે તેમને હવે છૂટા કરી દેવાશે એટલે જો કોઈ જગ્યા ખાલી પડે તો તેને ધ્યાન રાખીને સરકારે પ્રવાસી પ્રાથમિક શિક્ષકોની નિમણૂંકના આદેશ કર્યા છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૦.૫૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આ માહિતી આપતા કહ્યું હતું કે, આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે.

જણાવી દઈએ કે ગત ગુરુવારે જ શિક્ષણમંત્રીએ પ્રસે કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, અત્યાર સુધી જે શિક્ષકોની બદલી થઇ ગઈ છે પરંતુ 10 ટકા કરતાં વધુ મહેકમ ખાલી પડતું હોવાના કારણે છૂટા થઇ શક્યાં નથી. તેવા બદલી પામેલા તમામ શિક્ષકોને ખાસ કિસ્સા તરીકે છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલું જ નહીં છેલ્લા ત્રણ વર્ષમાં બદલી થયેલી હોય અને છૂટા ન કરાયા હોય તેવા તમામ શિક્ષકોને પણ આ નિર્ણય લાગુ પડશે.

બીજી તરફ સોમવારથી સમગ્ર રાજ્યમાં શાળાઓ ધમધમવા લાગશે. રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડા બાદ ફરી સરકારે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બે દિવસ પહેલા ગુરુવારે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આગામી સોમવારથી શાળા-કોલેજો સંપૂર્ણ ઓફલાઈન શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ છેલ્લા બે વર્ષથી રાજ્યમાં ખોરવાયેલું શાળા શિક્ષણ ફરી શરૂ થશે.

Most Popular

To Top