Gujarat Main

રાજ્યભરની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય 8મી ફેબ્રુઆરીથી શરૂ કરાશે, હોસ્ટેલ માટે હશે આ નિયમો

રાજ્યના શિક્ષણ વિભાગે (Education Department) આગામી સોમવાર તા.૮ ફેબ્રુઆરી-ર૦ર૧થી રાજ્યની કોલેજોમાં (College) પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પૂન: શરૂ કરવાની જાહેરાત કરી છે. પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની (Students) બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતુ કે અગાઉ તા.૧૧ જાન્યુઆરી-ર૦ર૧થી પ્રથમ તબક્કે તમામ પોસ્ટગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છે . હવે, ૮ ફેબ્રુઆરી-ર૦ર૧ સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે.

રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે. આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી. રાજ્ય સરકારે કોલેજોના પ્રથમ વર્ષના શૈક્ષણિક કાર્ય માટે વર્ગખંડો શરૂ કરવા સાથે હોસ્ટેલ્સનો પણ આવાસ-નિવાસ હેતુથી પૂન: ઉપયોગ કરવા આ જે SOP શિક્ષણ વિભાગે જારી કરી છે તેનું પાલન અવશ્યપણે કરવા શિક્ષણ અગ્ર સચિવે અનુરોધ કર્યો છે.

  • -હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓનું થર્મલ સ્ક્રિનિંગ સુનિશ્ચિત કરવાનું રહેશે.
  • -જમવાના રૂમમાં/કિચનમાં પૂરેપૂરી સ્વચ્છતા જાળવવાની રહેશે. વધારે ભીડને ટાળીને. નાના –સમૂહોમાં ભોજન પીરસવું જોઇશે. વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે રૂમમાં ભોજનની વ્યવસ્થા સરળ અને વિનાવિલંબે ઉપલબ્ધ થઇ શકે તે રીતે ગોઠવણ કરવાની રહેશે.
  • -હોસ્ટેલના દરેક ફલોર પર સેનીટાઇઝર આપવાના રહેશે તથા વિદ્યાર્થીઓ/સ્ટાફ સાથે વસ્તુઓની આપ-લે કર્યા પછી, દિવાલો, દરવાજા, દરવાજાના હેન્ડલ, સીડીની રેલીંગ, સ્વીચો વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કર્યા પછી સેનીટાઇઝરનો ઉપયોગ કરવો હિતાવહ છે.
  • -કોરિડોરમાં સામાજિક અંતર જાળવવું જોઇએ, કોઇ વિદ્યાર્થીઓના મેળાવડાની મંજૂરી આપી શકાશે નહી.
  • -હોસ્ટેલ બિલ્ડીંગના કોઇપણ ભાગમાં ભેગા થવાની મંજૂરી આપવાની નથી અને વિદ્યાર્થીઓએ પણ ગ્રુપમાં મળવાનું ટાળવું જોઇએ.
  • -હોસ્ટેલની બહાર અને હોસ્ટેલના બગીચામાં, વિદ્યાર્થીઓએ ભેગા થવાનું અથવા ગ્રુપમાં બેસવાનું ટાળવું જોઇએ.
  • -તમામ પ્રકારની રમતો જેમાં શારીરિક સ્પર્શ થઇ શકે તેવી રમતોને રમવાની મંજૂરી નથી, કેમ્પસમાં જિમ સુવિધા પણ બંધ રહેશે.
  • -ભોજનાલયમાં સંપૂર્ણ કોવિડ-૧૯ નિયમોના પાલનની ખાતરી કરવા માટે સ્લોટ-આધારિત કૂપન સિસ્ટમ દાખલ કરવું હિતાવહ છે.
  • -ભોજનાલયના હોલમાં અને રસોઇઘરમાં ફરજ પરના કર્મચારીઓને દરરોજ તેમની ફરજ શરૂ કરતા પહેલા આરોગ્યની સ્થિતિ માટે તપાસવામાં આવશે અને ફરજ દરમિયાન ફેસ-માસ્ક, હેડકવર અને હેન્ડ ગ્લોવ્ઝ ફરિજયાત રાખવાના રહેશે. ભોજનાલયનો સ્ટાફને પણ સામાજિક અંતરનું પાલન કરવું પડશે.
  • -રસોડા, ડાઇનિંગ હોલ, બાથરૂમ અને શૌચાલયો વગેરેમાં સ્વચ્છતાની સ્થિતિનું નિયમિત નિરીક્ષણ કરવું જોઇએ.
  • -વાસણો યોગ્ય રીતે સાફ થાય તે જોવાનું રહેશે.
  • -તાજુ ભોજન રાંધવામાં આવે તે સુનિશ્ચિત કરવું આવશ્યક છે તેથી એક સીનીયર કર્મચારીએ તેનું મોનિટરીંગ કરવાનું રહેશે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top