ગાંધીનગર: (Gandhinagar) સીબીએસઈ બોર્ડ (CBSE Board) દ્વારા ધોરણ 12 ની માર્કશીટ (Marksheet) બનાવવા માટે નીતિ તૈયાર કરવામાં આવી છે. જે આધારે પરિણામ બનાવવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા નક્કી થયા પ્રમાણે ધોરણ 10, 11 અને 12ના પરીક્ષાના પરિણામોનું મુલ્યાંક કરીને ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દિનેશ એસ.પટેલ જણાવ્યું હતું કે ધોરણ 12નું પરિણામ તૈયાર કરવા માટેની નીતિ જાહેર કરવામાં આવી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પદ્ધતિ મુજબ 19 થી 25 જૂન સુધી વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ કરવાનું રહેશે. તારીખ 25 જૂનથી 1 જુલાઇ સુધીમાં શાળાઓ દ્વારા તૈયાર કરેલું પરિણામ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે. આમ ધોરણ-12નું પરિણામ ધોરણ 10, 11 અને 12ની કસોટીના મૂલ્યાંકનના આધારે જાહેર કરાશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જુલાઈના બીજા અઠવાડિયામાં, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જુલાઇના ત્રીજા અઠવાડિયામાં બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓનલાઈન પરિણામની જાહેરાત કરાશે. જ્યારે જુલાઈના અંતિમ અઠવાડિયામાં વિદ્યાર્થીઓના ગુણપત્ર અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે. ધોરણ 12ની પરીક્ષામાં નિયમિત વિદ્યાર્થીઓના પરિણામ અંગે નીતિ તૈયાર કરવામાં આવી છે. સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. જેમાં ધોરણ 10ના પરિણામના આધારે મૂલ્યાંકન, ધોરણ 11 દરમિયાન વિદ્યાર્થીઓની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન, અને ધોરણ 12 દરમિયાન વિદ્યાર્થિનીની કસોટીઓના પરિણામના આધારે મૂલ્યાંકન કરી ધોરણ 12નું પરિણામ તૈયાર કરવાનું રહેશે. શાળાઓએ વિષય વાર વિદ્યાર્થીઓના ગુણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ધોરણ- 12ના નિયમિત વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ ગુણપત્ર અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે.
પરિણામ તૈયાર કરવા શિક્ષણવિદોની રચાયેલી સમિતિએ કરેલી ભલામણો
- રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ નક્કી કરવા અગિયાર શિક્ષણવિદોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ દ્વારા આ ભલામણો કરવામાં આવી છે.
- 1, ધોરણ 10ના બોર્ડના વિષયોના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયમાં 50 ટકા ગુણનું મૂલ્યાંકન. ધોરણ 10ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલા 70 ગુણ)ના આધારે ધોરણ 12ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન કરવામાં આવશે.
- 2, ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધોરણ 11ની પ્રથમ સામાયિક કસોટી (50 ગુણ) અને દ્વિતીય સામયિક કસોટી (50 ગુણમાંથી) મેળવેલા કુલ ગુણના સરેરાશ ગુણના આધારે 25 ગુણનું મૂલ્યાંકન કરાશે.
- 3, શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન યોજાયેલા ધોરણ-12ની પ્રથમ સામાયિક કસોટી 100 ગુણ અને વર્ષ દરમિયાન યોજાયેલા વિષયવાર એકમ કસોટી 25 ગુણ એમ કુલ 125 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે 25 ગુણનું મૂલ્યાંકન કરવાનું રહેશે.
ક્રમ વિગત ગુણભાર
1, ધોરણ-10ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલા 70 ગુણ) આધારે ધોરણ-12ના જૂથ મુજબના વિષયમાં ગુણાંકન (71.43 ટકા) 50 ગુણ
2, ધોરણ-11ના નિયમિત અભ્યાસ દરમ્યાન યોજાયેલા ધોરણ-11ની પ્રથમ સામયિક કસોટી (50 ગુણ) અને દ્વિતિય સામાયિક કસોટી (50 ગુણ)માંથી
મેળવેલા કુલગુણના સરેસાર ગુણના આધારે ગુણાંકન (50 ટકા) 25 ગુણ
3, શૈક્ષણિક વર્ષ 2020-21 દરમ્યાન યોજાયેલા ધોરણ-12ની પ્રથમ સામાયિક કસોટી (100 ગુણ) અને વર્ષ દરમ્યાન યોજાયેલા વિષયવાર
એકમ કસોટી (25 ગુણ) એમ કુલ 125 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે ગુણાંકન (20 ટકા) 25 ગુણ
કુલ- 100 ગુણ