Gujarat

ગુજરાતમાં 2047માં પ્રત્યેક નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટર થી વધારી આટલી કરાશે

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી (Drinking Water) તથા ખેડૂતોને (Farmer) સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. જેના પરિણામે વર્ષ ૨૦૪૭માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા ૮૫૦ ક્યુબીક મીટર થી વધારીને ૧૭૦૦ ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.
કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ છે જેમાં દેશના ત્રીસ રાજયોના રાજ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના જળસંશાધન, જળશક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા છે.

ભોપાલ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સહભાગી થતા ગુજરાતના ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતે વોટર વિઝન અને અછત નિવારવા પાણીના યોગ્ય સંશાધનોમાં સુનિશ્ચિત ઉપયોગ માટે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે. તેમણે રાજ્યના ૨૦૪૭ના વોટરવિઝન અને ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં અછતગ્રસ્ત પાણીના અભાવવાળા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરેલા આયોજનની વિકસીત રૂપરેખા પ્રેઝન્ટેશન દ્વારા આવી હતી.
તેમણે કહ્યું હતું કે, સર્ક્યુલર ઇકોનોમીના કન્સેપ્ટ સાથે જ્યારે ભારત વર્ષ-૨૦૪૭ના અંત સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે, ત્યારે દરેકે દરેક નાગરિક માટે જળ સંશાધન સહિત તમામ પ્રકારના સ્વરૂપોમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આજના સમયનો પડકાર છે અને સાથે સાથે એક તક પણ મળશે.

ગુજરાત માટે વર્ષ-૨૦૪૭ નું વિઝન રજુ કરતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતનું વિઝન ચાર મુખ્ય સ્તંભો ઉપર આયોજીત છે. જેના પહેલા સ્તંભમાં સંસાધનની ઉપલબ્ધતા, બીજા સ્તંભમાં માંગનું યોગ્ય નિયોજન, ત્રીજા સ્તંભમાં જરૂરિયાત મુજબ સપ્લાયનો યોગ્ય પ્રયોજન અને ચોથા સ્તંભમાં જળની સ્થિરતા લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ચાર સ્તંભો ગુજરાત કયા પ્રકારે સિદ્ધ કરશે તે માટે તેમણે ગુજરાત સરકારના હાલના અભિગમ અને આગામી વર્ષોમાં જે નવી યોજનાઓ રાજ્ય સરકાર કરવા માંગે છે તે વિશે વિગતો રજુ કરી હતી.

રાજ્યના અછતગ્રસ્ત અને સંસાધન વિનાના ક્ષેત્રોના વિકાસ માટે જલ આપૂર્તિ સુનિશ્ચિત કઈ રીતે કરવામાં આવી તે અંગે ગુજરાતની ૨૦ વર્ષની સિદ્ધિનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં બાવળિયાએ કહ્યું હતું કે ટેન્કર રાજ, દૂર દૂરથી પાણી લાવવું, મોટા પ્રમાણમાં માનવી અને પશુઓનું કચ્છ સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર જેવા વિષયોને ગુજરાતે આ ચાર સ્તરીય વ્યવસ્થા દ્વારા ભૂતકાળ બનાવી દીધી છે. પ્રથમ સ્તરમાં એક વિસ્તારના વધારાના પાણીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પુરુ પાડ્યુ છે. જેના માટે નર્મદા કમાન્ડ ડેવલપમેન્ટ, સુજલામ સુફલામ પ્રકારની યોજનાઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે.

તે જ રીતે બીજા તબક્કામાં સૌની યોજના, લીફ્ટ ઈરીગેશન સ્કીમ અને બલ્ક લાઈન મારફતે એક વિસ્તારના પાણીને બીજા વિસ્તારમાં ક્લસ્ટર સ્વરૂપે પણ પહોંચાડ્યુ છે. તળાવ, નાના ડેમ આધારિત સિંચાઇ યોજનાઓ માં વરસાદની ગમે તે પરિસ્થિતિ હોય તેમ છતાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી છે. ત્રીજા તબક્કામાં બલ્ક લાઈનથી ઉપલબ્ધ પાણીને જૂથ યોજનાઓ મારફતે દરેક ગામ સુધી પહોંચાડીને, વાસ્મોના નેટવર્કનો ઉપયોગ કરીને ગામમાં ઉપલબ્ધ બનેલ પાણીને ઘર ઘર સુધી પહોંચાડયુ છે.

તેમણે કહ્યુ હતું કે પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવાના લીધે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન ૨૦ વર્ષમાં અઢી ગણું વધ્યું છે. પશુપાલન ક્ષેત્રે ઉત્પાદન પાંચ ગણું જેટલું વધ્યું છે અને મોરબી, કચ્છ અને સૌરાષ્ટ્રના બીજા વિસ્તારો કે જ્યાંથી લાખોની સંખ્યામાં લોકો બીજા વિસ્તારમાં જતા હતા તેની જગ્યાએ સ્થાનિક રોજગારીનું સર્જન કરીને રાજ્યના તેમજ બહારના લોકોને પણ રોજગારી આપતાં ધમધમતાં કેન્દ્રો તરીકે વિકસ્યા છે. ૨૦ વર્ષમાં ડાર્ક ઝોન જેવા અને ક્રિટિકલ એરિયામાં જે તબદીલી થયેલ તેના પણ આંકડા સાથે વિગત રજૂ કરતા તેમણે જણાવ્યુ હતુ કે ક્રિટિકલ, સેમી ક્રિટિકલ અને ડાર્ક ઝોનમાં રાજ્ય સરકારે ૨૦ વર્ષમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને વર્ષ ૨૦૪૭ માં રાજ્યના દરેક નાગરિક માટે જે માથાદીઠ પાણીની ઉપલબ્ધતા છે તે ૮૫૦ ક્યુબીક મીટરથી વધારી ૧૭૦૦ ક્યુબીક મીટર સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Most Popular

To Top