સુરત: (Surat) હીરા ઉદ્યોગમાં (Diamond Industries) સ્લોડાઉનની સ્થિતિમાં દિવાળી વેકેશન પછી 40 ટકા હીરાનાં કારખાનાં શરૂ થયાં નથી. કારખાનેદારોએ કામના કલાક 50 % ઘટાડી મજૂરીના દર પણ ઘટાડ્યા છે, ત્યારે ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના (Gujarat Diamond Workers Union) પ્રમુખ રમેશ જિલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે સ્લોડાઉનની સ્થિતિમાં વ્યવસાય વેરો નાબૂદ કરવા અને રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવાની માંગ ફરી દોહરાવી છે. યુનિયને ચીમકી ઉચ્ચારી છે કે, જે રાજકીય પક્ષ લેખિતમાં હીરા ઉદ્યોગમાં કારીગરોના હિત માટેના કાયદાઓનું પાલન કરાવવા, વ્યવસાય વેરો નાબૂદ કરવા અને રત્નકલાકારોને રાહત પેકેજ આપવા લેખિત ખાતરી આપશે એને રત્નકલાકારોના પરિવારો ચૂંટણીમાં મતદાન કરશે.
ગુજરાતમાં હીરાઉદ્યોગમાં 20થી 25 લાખ કામદારો એટલે કે રત્નકલાકારો કામ કરે છે અને હીરાઉદ્યોગના વિકાસમાં એમનો સિંહ ફાળો છે. રત્નકલાકારોની મહેનત અને પરિશ્રમ થકી જ હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે. પણ રત્નકલાકારોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપ્યા પછી સરકારે કશું કર્યું નથી. કોવિડમાં પણ કોઈ સહાય મળી ન હતી. તાજેતરમાં આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ મળે અને તેમનાં બાળકોની શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે તથા બેરોજગાર રત્નકલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરે એવી માંગ કરવામાં આવી છે. જે પક્ષ આ સ્વીકારશે એની તરફેણમાં મતદાન કરવા અપીલ કરવામાં આવશે.
રત્નકલાકારો સુરત શહેરની 6 બેઠક સાથે ગુજરાતના ભાવનગર, અમદાવાદ, અમરેલી, રાજકોટ, બોટાદ, ગારિયાધાર, રાજુલા, જૂનાગઢ, મહુવા, સાવરકુંડલા સહિત અનેક બેઠકો પર પ્રભાવ ધરાવે છે. ત્યાં રત્નકલાકારો અને તેમના પરિવારોનું ધ્યાન રાખે એવા પક્ષની તરફેણમાં મતદાન કરવા અભિયાન ચલાવશે.