અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની (Narendra Modi) ડિગ્રી મામલે ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક નિવેદનના પગલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા બદનક્ષીની થયેલી ફરિયાદમાં અમદાવાદની (Ahmedabad) મેટ્રોપોલિટન કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આપના રાષ્ટ્રીય સંયોજક સંજયસિંહને સમન્સ ઇશ્યુ કરવામાં આવ્યું છે. આ અંગેની વધુ સુનાવણી 7મી જૂનના રોજ હાથ ધરાશે. ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં આજે હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત યુનિવર્સિટી તરફથી એડવોકેટે જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા ફરી એક વખત બંને નેતાઓને સમન્સ જારી કર્યા છે. આ મામલે 7મી જૂનના રોજ સુનાવણી નક્કી કરી છે.
અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એમ.એ.ની ડિગ્રી અંગે આરટીઆઈ દ્વારા માહિતી માંગવાના મામલે કેન્દ્રીય માહિતી પંચે ગુજરાતી યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર ડિગ્રી અંગે જાણકારી આપવા નિર્દેશ કર્યો હતો. જોકે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રીય માહિતી પંચના 2016ના આદેશને રદ કરીને અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં ગુજરાત યુનિવર્સિટીનો આરોપ છે કે, અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટીટ્પણી કરી હતી. જેના કારણે લોકોમાં ગુજરાત યુનિવર્સિટી માટે ખોટી ઈમેજ ઊભી થઈ છે, અને લોકોમાં એવી ધારણા બંધાય છે કે, ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે.