Gujarat

ખરીફ સીઝન પહેલા પાક નુકસાનનું સરકાર વળતર ચૂકવે : કોગ્રેસ

ગાંધીનગર : કમોસમી વરસાદ (Rain) સહાયથી હજુય કેટલાયે ખેડૂતો (Farmer) વંચિત, પાક નુકસાની સહાયમાં થયેલી ગેરરીતિ કોઈપણ રીતે ચલાવવામાં નહીં આવે અને તે માટે જનમંચ અને જનઆંદોલન થકી અવાજ ઉઠાવવામાં આવશે. કમોસમી વરસાદના લીધે થયેલા નુકસાન માટે કરેલ સર્વેના દસ્તાવેજો સાથે છેડછાડ થઈ હોવાનું પ્રમાણ રજૂ કર્યું અને સર્વેમાં ભૂલો અંગે કોંગ્રેસે કરેલા દાવાઓ સાચા પડ્યા છે. માર્ચ ૨૦૨૩માં પડેલા કમોસમી વરસાદનો સર્વે મે ૨૦૨૩માં સરકારે કરાવડાવ્યો જેથી ખેડૂતોને સમયસર કોઈ વળતર મળ્યું નથી. તો સરકાર ખરીફ સીઝન પહેલા પાક નુકસાનનુ વળતર ચૂકવે તેવી માગણી કોગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલીયાએ ગુજરાતમાં કમોસમી વરસાદ અને નકલી બિયારણના મુદ્દે ઉગ્ર અવાજ ઉઠાવતા જણાવ્યુ હતું કે, પાક નુકસાની સર્વે પત્રકમાં નુકસાનીની ટકાવારીના કોલમમાં છેડછાડ કરવામાં આવી. સરકારે પોતાને સાચી સાબિત કરવા ખોટી રીતે ખોટું પંચ રોજકામ કર્યું છે. જસદણ તાલુકાનાં આટકોટ ગામના પાક નુકસાની સર્વેના છેડછાડવાળા પત્રકો રજૂ કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૨૩માં પડેલા કમોસમી વરસાદનો સર્વે મે ૨૦૨૩માં સરકારે કરાવડાવ્યો જેથી ખેડૂતોને સમયસર કોઈ વળતર મળ્યું નહીં. ફક્ત અમુક જ તાલુકાનો સર્વેમાં સમાવેશ કરવાથી ઘણા તાલુકા વળતરથી વંચિત રહી ગયા. તા. ૦૩/૦૩/૨૦૨૩ એ પડેલા વરસાદનો સર્વે જો તા. ૧૫/૦૫/૨૦૨૩ ના રોજ કરવામાં આવે તો ત્યાં સુધી કોઈ ખેડૂત પાક રાખે નહીં.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતુ કે બીજ બુટલેગરો ઉપર દરોડા પાડી નકલી બિયારણ કારોબાર બંધ કરી ફક્ત દંડ નહીં પણ એ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે જરૂરી છે. બીજ બુટલેગરો સરકારની રહેમ નજર હેઠળ બેફામ રીતે ગુજરાતમાં કારોબાર કરી રહ્યા છે. નકલી બિયારણ અને ખાતરનું બેફામ વેચાણ સમગ્ર રાજયમાં થઈ રહ્યું છે અને જ્યારે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. સમગ્ર રાજયમાં ૪ હજાર કરોડથી વધુના નકલી બિયારણનો વ્યવસાય સરકારની મિલીભગતથી ચાલે છે અને આ ગેરકાયદેસર વ્યવસાય કરતાં જો કોઈ પકડાય તો ફક્ત ૧ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. જે બિલકુલ હાસ્યાસ્પદ છે.

Most Popular

To Top