Gujarat

ગુજરાતમાં વંદે ભારત ટ્રેનની ટક્કરથી મહિલાનું મોત

ગુજરાત: વંદે ભારત ટ્રેનની (Train) શરૂઆત થતાંની સાથે જ કેટલાય અકસ્માતો (Accident) થયા છે. મળતી માહિતી મુજબ મંગળવારના રોજ બપોરે લગભગ 4:37 વાગ્યે આણંદ નજીક એક મહિલાનું આ ટ્રેનની અડફેટે મોત (Death) થયું હતું. મૃતક મહિલાની ઉંમર 54 વર્ષ જાણવા મળી છે તેમજ તેની ઓળખ બીટ્રિસ આર્ચીબાલ્ડ પીટર તરીકે થઈ છે. એવું જણાવામાં આવ્યું હતું કે તે આણંદ રેલ્વે સ્ટેશન નજીક ટ્રેક ક્રોસ કરી રહી હતી તે સમયે તે ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટના સમયે ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ તરફ જઈ રહી હતી. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે અમદાવાદમાં રહેતી પીટર કથિત રીતે આણંદમાં એક સંબંધીને મળવા ગઈ હતી.

30 સપ્ટેમ્બરના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનનો આ ચોથો અકસ્માત છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ ટ્રેન ત્રણ વખત ઢોરની ટક્કરના કારણે અકસ્માતનો ભોગ બની ચૂકી છે. 6 ઓક્ટોબરના રોજ વટવા અને મણિનગર રેલ્વે સ્ટેશન વચ્ચે ચાર ભેંસોના ટોળા સાથે અથડાતા તેની આગળની પેનલને નુકસાન થયું હતું. 7 ઓક્ટોબર આણંદ નજીક ટ્રેને એક ગાયને ટક્કર મારી હતી. અન્ય એક ઘટનામાં ગુજરાતના અતુલ રેલ્વે સ્ટેશન પાસે એક ટ્રેને આખલાને ટક્કર મારી હતી.

વંદે ભારત ટ્રેનો સાથે પશુઓ અથડાવાની ઘટનાઓને રોકવા માટે રેલવેએ ભૂતકાળમાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ અને ગાંધીનગર વચ્ચે ચાલતી વંદે ભારત સાથેની ઘટના બાદ, રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના મુંબઈ વિભાગે આ માર્ગ પરના ઘણા નજીકના ગામોના સરપંચોને પત્ર લખ્યો છે. પત્રમાં સરપંચોને તેમના ઢોરને નિયંત્રણમાં રાખવા જણાવાયું છે. આ ઉપરાંત તેમાં લખવામાં આવ્યું છે કે વંદે ભારત ટ્રેન કોરિડોરની આસપાસ પશુઓને ભટકવા દેવા જોઈએ નહીં. જો માલિકો તેમના ઢોરની સંભાળ નહીં રાખે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેનને કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેનું અંતર 8 કલાકથી ઘટીને સાડા પાંચ કલાકમાં પૂર્ણ થઈ જાય છે. મળતી માહિતી મુજબ હવે વંદે ભારત ટ્રેન હિમાચલ-દિલ્હી વચ્ચે પણ દોડશે. 13 ઓક્ટોબરે વડાપ્રધાને હિમાચલ પ્રદેશના ઉના રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નવી વંદે ભારત ટ્રેન હિમાચલ પ્રદેશના અંબ-અંદૌરાથી નવી દિલ્હી વચ્ચે દોડશે. વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને ઉના વચ્ચેનું અંતર લગભગ સાડા પાંચ કલાકમાં કાપશે. આ દરમિયાન આ ટ્રેન અંબાલા, ચંદીગઢ અને આનંદપુર સાહિબ સ્ટેશન પર બે-બે મિનિટ રોકાશે.

Most Popular

To Top