રાજ્યમાં ગયા રવિવારથી મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રમાં અતિવર્ષાના લીધે પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો (DAM) ૧૦૦ ટકા ભરાઈ (OVERFLOW) ગયા છે, આ સાથે જ ગુજરાતના ૨૦૭ પૈકી ૪૦ ડેમો મંગળવારની સ્થિતિએ સંપૂર્ણ છલકાઈ ગયા છે, જેમાં સૌથી વધુ ૩૭ ડેમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ૨ તેમજ ઉત્તર ગુજરાતના એક ડેમનો સમાવેશ થાય છે. દ્વારકાનો સાગર ડેમ ઓવરફલો થયો છે. સોમવાર સુધીમાં ગુજરાતમાં ૩૬ ડેમો ઉપર હાઈ એલર્ટ સિગ્નલ (HIGH ALERT SIGNAL)અપાયું હતું, જોકે ભારે વરસાદ વચ્ચે હવે ૬૫ ડેમોમાં હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે, આમ એક જ દિવસમાં વધુ ૨૯ ડેમોમાં હાઈ એલર્ટ સિગ્નલ અપાયા છે.
નીચાણ વાળા વિસ્તારમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. નર્મદા (NARMADA) અને કલ્પસર (KALPSAR) વિભાગના મંગળવારના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હાઈ એલર્ટ ડેમોની સંખ્યા ૬૫ જ્યારે ૮૦થી ૯૦ ટકા પાણી ભરાયું છે તેવા ૫ ડેમમાં એલર્ટ સિગ્નલ અપાયું છે, આ ઉપરાંત ૧૩ ડેમોમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે, ત્યાં ચેતવણી આપવામાં આવી છે.
રાજકોટનો ભાદર ડેમ 70 ટકા ભરાઈ ગયો
રાજકોટ-જેતપુર-ગોંડલને પીવાનું પાણી પુરૃ પાડતા ભાદર ડેમ ૭૦ ટકા ભરાઈ ગયો છે. સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૮૧ ડેમમાંથી ૩૪ ડેમ ૧૦૦ ટકા ભરાઈ જતા હાઈએલર્ટ જયારે ૧૨ ડેમ ૭૫થી ૯૪ ટકા ભરાઈ જતા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને ડેમ હેઠળવાસના ૨૧૬ ગામોને ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના 123 ડેમ હજુ પણ ખાલી
૧૨૩ ડેમ હજુ એવા છે જ્યાં ૭૦ ટકા કરતાં ઓછું પાણી છે. સરદાર સરોવર ડેમ સહિત ગુજરાતના ૨૦૭ ડેમોમાં હાલમાં ૬૪.૫૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે, કચ્છમાં ૨૦ ડેમોમાં હાલ ૨૪.૮૭ ટકા, સરદાર સરોવર ડેમમાં ૭૦.૨૪ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ ડેમોમાં ૭૦.૨૪ ટકા, ઉ. ગુજરાતના ૧૫ ડેમોમાં ૨૮.૩૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૫૦.૩૧ ટકા પાણી સંગ્રહાયેલો છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં
ઉકાઇ ડેમમાંથી (UKAI DAM) 98 હજાર ક્યૂસેકથી વધારે પાણી છોડવામાં આવ્યું છે અને હજી સતત છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે હરિપુરા કોઝવે સંપુર્ણ જળમગ્ન થયો છે. ઉકાઇ ડેમમાં 22 ગેટ પૈકી 9 ગેટ હાલ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. તેનું પાણી સતત નદીમાં આવી રહ્યું છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડાયા બાદ હરિપુરા કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા. હરિપુરા કોઝ વે પાણીમાં ગરકાવ થતા કડોદની સામે પારના 10 ગામોને અસર થાય છે. આ ગામોનો સંપૂર્ણ વ્યવહાર કડોદ, બારડોલી અને સુરત સાથે હોય છે. કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઇ જાય છે. લોકોને હવે ખુબ જ ફરી ફરીને જવાની નોબત આવી છે. ઉકાઇ ડેમમાંથી 98 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા સુરત કોઝવેની સપાટીમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે. ચેલ્લા 2 દિવસથી કોઝવે ઓવરફ્લો એટલે કે 8.13 મીટરની સપાટીએ વહી રહ્યો છે.