કચ્છ: ચક્રવાત બિપોરજોયએ (Cyclone Biporjoy) આક્રમક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગુજરાતમાં તેની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. કચ્છમાં (Kutch) વાવાઝોડાએ 140 કિમી પ્રતિ કલાકની ઝડપે લેન્ડફોલ (Landfall) કર્યું હતું. સૌરાષ્ટ્રના દ્વારકા, સોમનાથ અને કચ્છના જખૌ, માંડવીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ પાસેથી જાણકારી મળી આવી છે કે લેન્ડફોલ મધ્યરાત્રિ સુધી ચાલુ રહી શકે છે. આ પછી વાવાઝોડું નબળું પડીને રાજસ્થાન તરફ ફંટાઈ જશે. ચક્રવાતી તોફાન બિપરજોયના ખતરાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર એલર્ટ છે. NDRFની 17 ટીમો અને SDRFની 12 ટીમો ગુજરાતમાં તૈનાત છે. સાથે જ નેવીના 4 જહાજોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
ગુજરાતમાં અમદાવાદ, પોરબંદર, માંડવી અને કચ્છ સહિત ધણાં શહેરોને એલર્ટ કરવામાં આવ્યાં છે. બિપોરજોયએ કચ્છમાં રૌદ્ર રૂપ ધારણ કર્યું છે. એક બાજુ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ ભારે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વચ્ચે કચ્છનો દરિયો પણ તોફાની બન્યો છે. દ્વારકામાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાના પગલે દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. બેટ દ્વારકામાં દરિયા કિનારાની બોટો ડુબવા લાગી હતી. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના પટાંગણમાં મહાકાય વૃક્ષ જમીનમાંથી ઉખડી ગયું હતું. જખૌ ગામમાં પણ વાવાઝોડાના કારણે સન્નાટો ફેલાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે પવન ફૂકાંઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતને જોતા ધણાં વિસ્તારોમાં પાવર કટ પણ કરવામાં આવ્યો છે.
IMDના DGએ Biperjoy વિશે કહી આ વાત
IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે હાલમાં તે 115-125 kmphની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે જેની સ્પીડ 140 કિમી પ્રતિ કલાક જશે. સૌરાષ્ટ્રના કચ્છમાં લેન્ડફોલ શરૂ થઈ ગયું છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મધ્યરાત્રિ સુધી લેન્ડફોલ ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે બિપરજોય વાવાઝોડાની ગતિ પણ મધ્યમાં ઓછી રહેશે. શક્ય છે કે વરસાદ પણ અચાનક બંધ થઈ જાય. આવી સ્થિતિમાં લોકોએ એવું ન વિચારવું જોઈએ કે તોફાન પસાર થઈ ગયું છે. હવામાન વિભાગના ડીજીએ કહ્યું કે જ્યાં સુધી આઈએમડી તરફથી તોફાન અંગે કોઈ સત્તાવાર માહિતી ન આવે ત્યાં સુધી લોકોએ એલર્ટ મોડ પર રહેવું જોઈએ.
ભચાઉમાં પણ દરિયાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું હતું. જલાલપોરમાં દરિયાથી નજીક આવેલા બોરસી ગામમાં પાંચથી સાત મીટર ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. નવસારી જિલ્લાના દરિયાકિનારે ભરતીની શરૂઆત થતાં જ 10થી 15 ફૂટ સુધી ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. જ્યારે સુરતના ઓલપાડના ડભારી દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
વાવાઝોડાની આગાહીના કારણે દરિયાકાંઠાની નજીક રહેતા 94,000 થી વધુ લોકોને સાવચેતીના પગલા તરીકે સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યો બિપોરજોય વાવાઝોડાનો ખતરો છે. આ 9 રાજ્યોમાં લક્ષદ્વીપ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.