Gujarat

બિપોરજોય: રાજ્યમાં હજારો વિજળીના થાંભલા પડતાં અનેક વિસ્તારોમાં અંધારપટ, હજી પણ ભારે વરસાદની આગાહી

ગુજરાતના (Gujarat) દરિયાકાંઠે ગુરુવારે રાત્રે ‘બિપરજોય’ વાવાઝોડું (Cyclone) ટકરાયા બાદ ઠેર-ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે ત્યારે હવામાં વિભાગે હજી પણ ગુજરાતમાં અતિભારે વરસાદની (Rain) આગાહી કરી છે. આમ તો વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે જેના કારણે રાજસ્થાન અને દિલ્હીમાં વરસાદ શરૂ થયો છે પરંતુ ગુજરાતમાં પણ હજી લોકોએ સાવધાન રહેવાની ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ ભારે પવન અને વરસાદને પગલે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા છે. તંત્રએ ઝાડ હટાવવાની તેમજ વીજ પુરવઠો ઝડપથી શરૂ થાય તે માટે કમર કસી છે.

કચ્છમાં માંડવી, નલિયા, નારાયણ સરોવર, જખૌ બંદર, મુન્દ્રા અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં બિપરજોય વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે. વાવઝોડાને કારણે સૌથી વધુ 200 મિમિ વરસાદ કચ્છના ગાંધીધામમાં પડ્યો હતો. મધરાતે કચ્છના બંદર પર વિશાળ વહાણ પણ પલટી ગયું હતું. બિપરજોય વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. તો બીજી તરફ છેલ્લા 20 કલાકથી કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વિજળી ન હોવથી લોકો તકલીફમાં મુકાયા છે. માંડવીના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે માંડવીની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ભુજ શહેરમાં ઠેર ઠેર વીજપોલ અને સંખ્યાબંધ વૃક્ષો પણ જડમુળથી ઉખડી ગયા છે. ભુજ હાઇવે પર પેટ્રોલપંપ જાણે કે હાડપિંજર બન્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ ગુરુવારની આખી રાત વિજળી વગર દહેશતમાં વ્યતિત કરી હતી.

વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં ભારે આર્થિક નુકશાન થયું છે. કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં વાવાઝોડાના પરિણામે 1137 જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે જેના કારણે અંતરિયાળ અને મુખ્યમાર્ગો મળીને 263 રસ્તાઓ બંધ થયા હતા. અહીં વૃક્ષોને હટાવીને 260 રસ્તાઓ પુનઃ કાર્યરત કરાયા છે હોવાની જાણકારી મળી છે. ભારે પવન કારણે અસરગ્રસ્ત જિલ્લાઓમાં 5120 જેટલા વીજ થાંભલાઓ પડી જતા 4600થી વધુ ગામમાં વીજળી ઠપ્પ થઈ હતી જેમાંથી 3560 જેટલા ગામોમાં વીજળી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે. PGVCLની ટીમો દ્વારા ચાલુ વરસાદે પણ ગામોમાં વીજળી ચાલુ કરવા માટે સતત કામ કરાઈ રહી છે.

વાવાઝોડું વીતી ગયા બાદ અસલી પરિસ્થિતિ સામે આવી રહી છે. આ કુદરતી આફતને કારણે અનેક લોકો ઘર વિહોણા થયાચે. ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. જ્યારે કેટલાક કાચા મકાનો પાણીમાં વહી ગયા છે. પ્રભાવિત જિલ્લાઓમાં 20 કાચા મકાન, 9 પાકા મકાન અને 65 જેટલા ઝૂંપડા સંપૂર્ણ રીતે ધરાશાયી થયા છે. જ્યારે 474 જેટલા કાચા મકાન અને 2 પાકા મકાનને અંશતઃ નુકશાન થયું છે.

કચ્છમાં ભારે નુકસાન
ગઈકાલ સાંજે બિપોરજોય ત્રાટકયા બાદ હવે કચ્છમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહયા છે. નલિયાથી માંડવી રોડ પર ઘણા વૃક્ષો પડી ગયા છે, અને કેટલીક જગ્યાએ હાઈવે પર પણ પાણી ભરાયા છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોઠારા-ભૂજ હાઈવે પર જ રાત્રે 200 જેટલા વૃક્ષો પડ્યા છે, જેમને હટાવવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં, આખાય કચ્છ જિલ્લામાં લગભગ તમામ ઈન્ટરનલ રોડ ઝાડ પડી જવાના કારણે બંધ થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. શહેર અને ગામડાંઓમાંથી સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થવાના, થાંભલા-દીવાલો પડી જવાના, વીજ વાયરો તૂટવાની ઘટનાઓ સામે આવી છે. ભુજ-નલિયા માર્ગ પર 300થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થતાં માર્ગ વ્યવહાર ખોરવાઇ ગયો હતો. માંડવી-મુંદરા પંથકમાંય વૃક્ષો-વીજ થાંભલાનો સોથ વળી ગયો હતો. મોટા ભાગે સ્વયંભૂ બંધ જેવી સ્થિતિને કારણે ગામો, શહેરો તેમજ નાનાથી લઈને રાજ્ય, રાષ્ટ્રીય ધોરીમાર્ગો બપોર બાદ સુના થઈ ગયા હતા. ભુજ અને અંજાર પંથકમાં વીજ ટાવરો પડી જતાં બે 66 કે.વી. સબ સ્ટેશનો બંધ થઈ ગયા હતા.બિપોરજોયના કારણે ગાંધીધામ, અંજાર, ભચાઉ, માંડવી, અબડાસા, મુંદ્રા, અને નખત્રાણા, લખપત અને રાપરમાં ભારે વરસાદ થયો હતો.

બિપોરજોય નબળું પડ્યું છતાં ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના
હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, જખૌ નજીક આ વાવાઝોડું લેન્ડફોલ થયું હતું. જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થયું ત્યારે 125થી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પણ પડ્યો હતો. હાલ આ વાવાઝોડું જખૌથી 70 કિમી દૂર ચાલ્યું ગયું છે અને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે. આ તરફ હજી પણ ગુજરાતના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, બિપોરજોય વાવાઝોડાએ ઉત્તર પૂર્વથી સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાકાંઠાને ક્રોસ કર્યુ છે. આ વાવાઝોડુ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને નબળું પડી જશે. વાવાઝોડાની અસરના કારણે હજુ પણ 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે સવારે સીધા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. SEOC ખાતે મુખ્ય સચિવ સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી મુખ્યમંત્રીએ વિગતવાર માહિતી મેળવી હતી. રાહત કમિશનર આલોક પાંડેએ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આગોતરા આયોજન, મુખ્યમંત્રીના સતત માર્ગદર્શન અને સૌના સહિયારા પ્રયાસોથી ગુજરાતમાં મોટી જાનહાનિ ટળી છે. રાજ્યમાં વાવાઝોડાના પરિણામે એક પણ માનવમૃત્યુ નોંધાયું નથી.

Most Popular

To Top