Gujarat

રાજ્યમાં કોરોનાની વકરતી હાલત, દર્દીઓના એમ્બ્યુલન્સમાં ઈલાજ

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના ( corona) મહામારી હવે બેકાબુ રીતે આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 14296 કેસો નોંધાયા છે. વધુ 157 દર્દીઓએ દમ તોડયો છે. એકલા અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જ્યારે 6757 દર્દીઓને સારવાર આપીને ડીસ્ચાર્જ કરાયા છે. ગાંધીનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ રાજ્યમાં નવા 14296 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 5790 કેસો, સુરત મનપામાં 1690 કેસો, રાજકોટ મનપામાં 608, વડોદરા મનપામાં 573, જામનગર મનપામાં 388, ભાવનગર મનપામાં 212, ગાંધીનગર મનપામાં 161 અને જુનાગઢ મનપામાં 131 સહિત 9553 કેસો નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં 4743 કેસો નોંધાયા છે.

એકલા અમદાવાદમાં 5790 કેસો અને 27 દર્દીઓના મોત થયા છે. બીજા ક્રમે સુરતમાં કોરોના કાબુ બહાર છે. જેમાં સુરત મનપામાં 1690 કેસ નોંધાયા છે અને 26 દર્દીઓના મોત થયા છે. હાલમાં રાજ્યમાં 115006 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 406 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 114600 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. અત્યાર સુધીમાં 374699 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 6328 દર્દીએ જીવ ગુમાવ્યો છે.

1,15,329 લોકોનું રસીકરણ કરાયું
કોરોના સામે રક્ષણ મેળવવા માટે રાજ્યમાં આજે 60 વર્ષથી ઉપરના અને 45થી 60 વર્ષના 57,321 લોકોને પ્રથમ રસીનો ડોઝ અને 58,008 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. આમ રવિવારે 1,15,329 લોકોને રસી આપવામાં આવી હતી .અત્યાર સુધીમાં 93,63,159 લોકોને પ્રથમ ડોઝનું અને 19,32,370 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. આમ કુલ 1,12, 95,536 લોકોને રસી આપવામાં આવી છે.

ગાંધીનગરમાં 34 દર્દીઓના મોત
ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમા કોરોનાના 289 કેસો નોંધાયા છે. જેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં 161 અને જિલ્લામાં 128 દર્દીઓ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગાંધીનગરમાં 34 દર્દીઓએ દમ તોડી દીધો છે. ગાંધીનગરમાં ઓકિસજનની અછત જોવા મળી રહી છે. જયારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરાતા નથી. 108 ઈમરજન્સી એમ્બ્યૂલન્સમાં લાવવામાં આવતા કોરોનાના દર્દીઓને જ્યાં સુધી દાખલ ન કરાય ત્યાં સુધી તેઓને એમ્બ્યૂલન્સમાં જ ઓકિસજન આપવામા આવે છે. ગાંધીનગરમાં ઓકિસજનવાળા બેડ, ઓકિસજન, વેન્ટિલેટરની અછત પેદા થવા પામી છે.

Most Popular

To Top