Gujarat Main

ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ કોંગ્રેસે ગુજરાતમાં 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ભાજપે 156 બેઠકો પર જીત મેળવી ઈતિહાસ રચ્યો છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ માત્ર 17 બેઠકો જીતી શક્યું હતું. અત્યંત શરમજનક આ હારના લીધે કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. ગુજરાતમાં અસ્તિત્વ જ ભૂંસાઈ જાય તેવી હારના પગલે પક્ષમાં મોટા ફેરફાર કરવાની આવશ્યકતા વર્તાઈ રહી હોય કોંગ્રેસ પક્ષ દ્વારા કડક પગલાં લેવાનું શરૂ કરાયું છે. પક્ષ દ્વારા આજે પક્ષવિરોધી કામગીરી કરતા 33 નેતાઓને સસ્પેન્ડ કરવાનો (Gujarat Congress Suspend 33 Leaders) આદેશ જાહેર કરાયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં શરમજનક પ્રદર્શન બાદ કોંગ્રેસ કોંગ્રેસે પક્ષ પોતાના 33 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે. આ નેતાઓ પક્ષ વિરોધી કામ કરતા હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ શિસ્ત સમિતિના પ્રમુખ બાલુ પટેલે નેતાઓને સસ્પેન્ડ કરવાની આજે શુક્રવારે તા. 20 જાન્યુઆરી 2023ના રોજ જાહેરાત કરી હતી. જોકે મોટા નેતાઓ આ યાદીમાં સામેલ નથી.  ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો જીતી હતી જે ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં સૌથી ઓછી છે. પરિણામ બાદ પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર આક્ષેપો કર્યા હતા.

શિસ્ત સમિતિના અધ્યક્ષ બાલુ પટેલની આગેવાની હેઠળની 5 સભ્યોની શિસ્ત સમિતિ સમક્ષ 71 આગેવાનોએ 95 નેતાઓ સામે ફરિયાદ કરી હતી. જેમાં કોંગ્રેસે 33 નેતાઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. 18ને નોટિસ ફટકારવામાં આવી છે જ્યારે 6 હોદ્દેદારોની જગ્યાઓ પાછી ખેંચી લેવામાં આવી છે. 8 નેતાઓને ચેતવણી આપવામાં આવી છે. જ્યારે 4 ફરિયાદો પેન્ડિંગ રાખવામાં આવી છે. કોંગ્રેસે 2 જિલ્લા પ્રમુખો અને એક પૂર્વ પ્રમુખનો સસ્પેન્શન યાદીમાં સમાવેશ કર્યો છે. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાનું નામ પણ સસ્પેન્શનની યાદીમાં છે.

ભાજપ પણ નવાજૂનીના મૂડમાં
ગુજરાત ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસે પક્ષ વિરોધી કામ કરતા નેતા, કાર્યકરોને સસ્પેન્ડ કરવાનું કડક પગલું ભર્યું છે. હવે ભાજપ પણ નવાજૂની કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. 156 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ચૂંટણીનું વિશ્લેષણ કરતી વેળા ભાજપમાં પણ કેટલાંક નેતા, કાર્યકરો પક્ષ વિરોધી કામગીરી કરતા હોવાનું ધ્યાન પર આવ્યું હતું. આ અંગે ભાજપને પણ ઢગલાબંધ ફરિયાદો મળી છે. ફરિયાદો શિસ્ત સમિતિ પાસે વિચારાધીન છે. ભાજપ પણ આવા પક્ષવિરોધી તત્વો સામે કડકાઈ દાખવે તેવી શક્યતા જોવાઈ રહી છે.

Most Popular

To Top