ગાંધીનગર: (Gujarat) ગુજરાતના વડગામના કોંગ્રેસી (Congress) ધારાસભ્ય (MLA) જીગ્નેશ મેવાણીની (Jignesh Mewani) આસામ પોલીસે (Aasam Police) ધરપકડ (Arrest) કરી છે. મેવાણી પાલનપુર સર્કિટ હાઉસમાં હતાં ત્યારે બુધવારે મોડી રાત્રે 11.30 કલાકે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્વીટર પર કરેલી એક ટ્વીટના લીધે જીગ્નેશ મેવાણીની ધરપકડ થઈ હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. મોડી રાત્રે મેવાણીને પાલનપુરથી અમદાવાદ અને ત્યાંથી વિમાન મારફતે આસામ લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાબતે જીગ્નેશ મેવાણી તરફથી પણ નિવેદન બહાર આવ્યું છે. મેવાણીના જણાવ્યા અનુસાર ફરિયાદની નકલ તેમને સોંપવામાં આવી નથી. એક ટ્વીટના લીધે તેઓ વિરુદ્ધ કેસ થયો હોવાનું મેવાણીએ જણાવ્યું હતું.
એ ટ્વીટમાં શું લખ્યું હતું?
આ સાથે મેવાણીએ કહ્યું કે, મેં શાંતિની અપીલ કરી હતી. મેં ટ્વીટમાં લખ્યું હતું કે જે પ્રમાણે દેશમાં માહોલ છે, જે પ્રમાણે કોમી એકતા તોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે તેમાં દેશમાં શાંતિ જળવાવી જોઈએ. શાંતિ જાળવી રાખવા બદલ એફઆઈઆર કરવામાં આવે એ વાતની મને નવાઈ લાગે છે. આ સરકારનું સાચું સ્વરૂપ દર્શાવે છે. મને અગાઉથી કોઈ નોટિસ મોકલાઈ નહોતી. પરિવારજનો સાથે વાત પણ કરવા દેવાઈ નથી. હું કેસથી ડરીશ નહીં. લડી લઈશ.
કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકાર વિરુદ્ધ અડધી રાત્રે મોરચો માંડ્યો
જીગ્નેશ મેવાણીની ધરપકડના પગલે ગુજરાત કોંગ્રેસે રાત્રે જ સરકાર વિરુદ્ધ મોરચો માંડી દીધો હતો. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કાર્યકરો સાથે અમદાવાદ એરપોર્ટ ધસી ગયા હતા. અહીં ઠાકોરે કહ્યું કે, લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજા વતી અવાજ ઉઠાવે ત્યારે ભાજપની તાનાશાહ સરકાર તે યુવાનોને ડરાવે છે, પરંતુ અમે ગભરાઈશું નહીં, લડીશું. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો. સી.જે. ચાવડા, બિમલ શાહ સહિતના એરપોર્ટ પર જીગ્નેશ મેવાણીને મળ્યા હતા.