અનાવલ: આપ વનવાસી નહીં આપ આદિવાસી હૈ ઇસ દેશ કે અસલી માલિક આપ હો, યે દેશ આપકા હૈ, રહેગા. આ શબ્દ મહુવા તાલુકાના અનાવલ-પાંચકાકડા ખાતે વિશાળ જનમેદની સાથેની જનસભાને સંબોધતાં કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ કહ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 70 દિવસથી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો પદયાત્રા ચાલુ છે. 2000 કિ.મી. પદયાત્રા થઇ છે, જેમાં ખેડૂતો, આદિવાસીઓ, મહિલાઓ, બેરોજગારો જોડાયા છે. નફરત નહીં, માત્ર ભાઇચારા મહોબ્બતની આ યાત્રા છે. ભારત જોડો યાત્રા દરમિયાન ખેડૂતો, બેરોજગારો અને આદિવાસીઓની વેદના સાંભળીને દુ:ખ થાય છે. તેમણે તેમની દાદી સ્વ.ઇન્દિરા ગાંધીનાં સંસ્મરણો વાગોળતાં તેમણે આપેલા પુસ્તકની વાતો કરી હતી. સ્વ.ઇન્દિરા ગાંધીએ તેમને આપેલી ચોપડીના સૂચનને લઈ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનને સમજવું હોય તો આદિવાસીઓની જળ, જંગલ, જમીન સાથેના સંબંધ હોય એ સમજવાની જરૂર છે.
ભાજપનું નામ લીધા વિના રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓ માટે જ કામ કરી કરી રહી છે, ત્રણ- ચાર મોટા કરોડપતિ ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે, પરંતુ સામાન્ય બેરોજગાર અને ખેડૂતના દેવા માફ કરવામાં આવતા નથી. આજે ખેડૂતો પૂછી રહ્યા છે કે અમારો શું વાંક છે, અમારા દેવા કે લોન માફ કરવામાં આવતા નથી.
મોરબી દુર્ઘટનામાં 150 થી વધુ લોકોના મૃત્યુ થયા ત્યારે પત્રકારો દ્વારા મને સવાલ કર્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આ રાજનીતિનો મુદ્દો નથી, પરંતુ આજે અનેક લોકો સવાલ કરી રહ્યા છે. જેની જવાબદારી છે, તેની સામે કોઈ જ કાર્યવાહી નહીં. એટલા માટે કે તેના ભાજપ સાથે સારા સંબંધો છે. ભાજપ સાથે સારા સંબંધ હોય એટલે શું કોઈ કાર્યવાહી ન થાય ? જવાબદાર લોકો સામે કોઈ જ પગલાં ન લેવાય ?
તેમણે કહયું હતું કે દેશમાં રોજગારી આપવાનું કામ નાના અને મધ્યમ ઉદ્યોગો કરી રહ્યા છે. મોટા ઉદ્યોગપતિઓ રોજગારી આપી શકતા નથી. રોજગારી આપવાનું કામ નાના અને મધ્યમ ઉદ્યોગ કરતા હતા, પરંતુ નોટબંધી અને જીએસટીને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગો ખતમ કરી નાખવામાં આવે, આ કોઈ નીતિ નથી, માત્ર બે –ત્રણ- ચાર અરબપતિ ઉદ્યોગપતિઓ માટે રસ્તો સાફ કરવાની નીતિ છે. આ એક હથિયાર છે. જેનાથી સામાન્ય ગરીબ, કિસાન, મજદૂર લોકો ખતમ થઈ જાય છે. વઘારામાં તેઓએ જણાવ્યું કે આજે બે પ્રકારનું ભારત બની રહ્યું છે, એક ઉદ્યોગપતિઓનું અને એક ગરીબ અને મજૂરોનું ભારત બની રહ્યું છે, પરંતુ આપણે આ બે પ્રકારનું ભારત નથી જોઈતું. ન્યાયનું હિન્દુસ્તાન જોઈએ છે. જેમાં એકતા અને ભાઈચારો હોય.
તેઓએ કહ્યું આ દેશના પહેલા માલિક આદિવાસી છે. બીજી તરફની વિચારધારા ધરાવનારો આદિવાસી નથી કહેતા, એ કહે છે તમે વનવાસી છો. અમે કહીએ છીએ આપ દેશના માલિક છો. બીજી વિચારધારાઓવાળા આટલેથી નથી અટકતા. જંગલ છીનવવાનું કાર્ય કરે છે. આ જ કાર્ય ચાલુ રહેશે તો આવનારા 5થી 10 વર્ષમાં જંગલ ઉદ્યોગપતિઓના હસ્તક હશે. આદિવાસી શબ્દનો અર્થ આ દેશમાં આપને તમામ હક્ક મળવા જોઇએ. વનવાસીનો અર્થ તમામ હક્ક નહીં મળે. જળ, જમીન, જંગલ પર આદિવાસીઓને હક આપવા માટે અમે પેસાનો કાયદો લાવ્યા, જમીન અધિગ્રહણ બિલ લાવ્યા, ફોરેસ્ટ એક્ટ લાવ્યા પરંતુ ભાજપ સરકારે આ કાયદાઓ લાગુ નથી કર્યા. અમે ઇચ્છીએ છે કે, તમારો ઇતિહાસ, જીવન પ્રણાલી વગેરેની રક્ષા થાય. આજે દુનિયામાં પર્યાવરણ લઈને મોટી મોટી ચર્ચાઓ થાય છે. પરંતુ પર્યાવરણ અંગે આદિવાસીઓનું જ્ઞાન સૌથી વધુ છે. તેઓ પર્યાવરણ અને જંગલની રક્ષા અંગે સૌને શીખવી શકે છે. સરકારો અને નેતાઓનું કામ લોકોની અવાજ સાંભળવાનું છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે મુખૌટા પહેરીને ચૂંટણી જીતવાવાળા લોકો છે. કોંગ્રેસમુક્તની વાતો કરવાવાળા પોતે મુક્ત થઇ જશે. સરકારવિરોધી લહેર એટલી છે, જે આજદિન સુધી નહીં જોઇ. કોંગ્રેસે લોકો માટે જનઘોષણા પત્ર જાહેર કર્યું છે. ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ભાજપને ગુજરાતની પ્રજા જાકારો આપે છે, એમની જમીન સરકી ગઇ છે. પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકીએ મોંઘવારી, બેરોજગારી મુદ્દે શાબ્દીક પ્રહારો કર્યા હતા. આ સભામાં લડેંગે… જીતેંગેના નારા પણ લાગ્યા હતા.
દુભાષિયા તરીકે ઊભા થયેલા ભરતસિંહ સોલંકીને અધવચ્ચે લોકોએ બેસાડી લીધા
બારડોલી: રાહુલ ગાંધીએ સભા સંબોધન વખતે દુભાષીયાની મદદ લીધી હતી. લોકોને ગુજરાતીમાં સમજ પડે એ માટે ભરતસિંહ સોલંકીએ રાહુલ ગાંધીનું ભાષણ ગુજરાતીમાં બોલીને સંભળાવતા હતા. જો કે, 12 મિનીટના ભાષણ બાદ ઉપસ્થિત જનમેદનીએ માત્ર હિન્દીમાં જ ભાષણ ચાલુ રાખવાનું કહેતાં ભરતસિંહ સોલંકીએ બેસી જવું પડ્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ હિન્દીમાં જ ભાષણ ચાલુ રાખ્યું હતું.