ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) કોંગ્રેસની (Congress) હારનું કારણ શોધવા માટે હાલમાં કેન્દ્રિય તપાસ સમિતિ ગુજરાતમાં આવી છે. આ કામગીરી દરમિયાન અચાનક જાગેલી કોંગીની કેન્દ્રિય નેતાગીરીએ હવે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની નિમણૂકની જાહેરાત કરી દીધી છે. તેઓ આણંદના આંકલાવથી ચૂંટાઈ આવ્યા છે. અગાઉ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખ રહી ચૂકયા છે.
કોગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આજે સવારે કરાયેલી જાહેરાત મુજબ વિરોધ પક્ષન નેતા તરીકે અમિત ચાવડા તથા ઉપનેતા તરીકે શૈલેશ પરમાર રહેશે. બીજી તરફ હવે કોંગ્રેસના વિપક્ષના નેતા ઓબીસી સમાજમાંથી પસંગ કરાયા છે ત્યારે, કોગ્રેસ હાઈકમાન્ડ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી જગદીશ ઠાકોરને હટાવીને તેમના સ્થાને નવા પ્રમુખની વરણી કરે તેવી સંભાવના છે., તેમાં અર્જુન મોઢવાડિયા તથા અમદાવાદના ડૉ જીતેન્દ્ર પટેલના નામની ચર્ચા ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે.જયારે ભાજપને 156 બેઠકો મળી છે.
કોંગીની ત્રણ સભ્યોની બનેલી સત્ય શોધક સમિતિએ હવે અમદાવાદમાં ઉમેદવારોને રૂબરૂ મળીને તપાસ શરૂ કરી છે. જેમાં ઉમેદવારોએ ઈવીએમ અને નબળા સંગઠન પર દોષનો ટોપલો ઢોળ્યો છે. એટલે આ અમીચંદોની સામે પગલા ભરવા જોઈએ, તેવી માંગ થઈ છે.