ગાંધીનગર: (Gandhinagar) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ ઉજવાય અને નર્મદા ડેમ છલકાય તે પહેલાં જ ગુજરાતમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ગાંધીનગરમાં મોટી ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ મુખ્યમંત્રી (CM Vijay Rupani) પદેથી રાજીનામું આપી દીધું છે. આજે સવારે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓએ રાજ્યપાલ સાથે મુલાકાત કરી. વી સતીષ, સીએમ રૂપાણી, નિતિન પટેલ સહિતના નેતાઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા. ત્યારબાદ રુપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું (Resignation) આપી દીધું છે. રાજ્યપાલના મળ્યા બાદ સીએમ રૂપાણીએ સીધી પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે આ જાહેરાત કરી છે.
રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણીએ મીડિયા સમક્ષ કહ્યું કે, પોતે રાજીખુશીથી રાજીનામું આપ્યું છે. પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નિષ્ઠાથી પોતાનું દાયિત્વ નિભાવ્યું છે. આ સાથે જ રૂપાણીએ ભાજપ પક્ષનો આભાર પણ માન્યો છે. નવા મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યનો અવિરત વિકાસ થતો રહેશે તેવો વિશ્વાસ પણ રૂપાણીએ મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કર્યો હતો. આગામી 2022માં સંભવિત વિધાનસભાની ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લડવામાં આવશે તેમ રૂપાણીએ ઉમેર્યું હતું. ભવિષ્યમાં પક્ષ જે કામગીરી સોંપશે તે નિભાવશે તેમ પણ રૂપાણીએ કહ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામા સાથે જ ભાજપમાં પણ આંતરિક હલચલ મચી ગઈ છે. રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ એ પ્રશ્ન ચારેકોર ચર્ચાવા લાગ્યો છે. ભાજપના ધારાસભ્યોની બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે, આવતીકાલ સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે.
ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ ગુજરાત આવ્યા ત્યાર બાદથી જ રાજ્યમાં મોટી રાજકીય ઉઠલપાઠલ થવા અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. કમલમ ખાતે બંધબારણે સંતોષની આગેવાનીમાં રાષ્ટ્રીય નેતા સાથે રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલની લાંબી બેઠક ચાલી હતી. બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ હાજર રહ્યાં હતાં. ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) ગુરુવારે રાતે લગભગ 8 વાગે એકાએક અમદાવાદ આવી પહોંચ્યા હતા, રાતે તેઓ પારિવારિક કામ અર્થે તેમના બહેન ના ત્યાં ગયા હતા, ત્યારબાદ આજે સવારે રવાના થઈ ગયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ પર રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે સ્વાગત કર્યું હતું.તેમના સ્વાગત માટે શહેર ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા.