Gujarat

ભૂપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથ લેશે

ગાંધીનગર: (Gandhinagar) વિજય રૂપાણીના મુખ્યમંત્રી (Gujarat CM) પદેથી અચાનક રાજીનામાં બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરી દેવાઈ છે. કોર કમિટીની બેઠક અને ત્યારબાદ ધારાસભ્યોની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર ભૂપેન્દ્ર પટેલ રાજ્યના નવા મુખ્યમંત્રી હશે. તેઓ સોમવારે શપથ લેશે. રવિવાર સવારથી જ તમામ ધારાસભ્યો (MLA) કમલમમાં હાજર હતા. ધારાસભ્યોની બેઠક બાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે તેમના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. નીતિન પટેલ અને સીઆર પાટીલના નામની ચર્ચાઓ વચ્ચે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) ગુજરાતનું સુકાન સોંપવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે. દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે. તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના કાર્યાલયની બહાર લોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે, ઘટલોડિયા ધારાસભ્યના કાર્યલયમાં અનેરો ઉત્સાહ છે. આ અગાઉ મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સૌરભ પટેલ કમલમ પહોંચ્યાં હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. એટલું જ નહીં નવા મુખ્યમંત્રીની નિમણૂંકની ચર્ચા માટે સાંસદ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ કમલમ પહોંચ્યા હતા.

રાજ્યના નવા મુખ્યમંત્રીની શપથવિધિ પણ 48 કલાકોમાં જ કરી લેવાશે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ આ વાતની પુષ્ટી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં જ નવા મુખ્યમંત્રી શપથ લઈ લેશે. જણાવી દઈએ કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નીતિન પટેલનું નામ મોખરે હતું. જોકે મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ સૌથી આગળ હતા. ગાંધીનગરમાં નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. હાથમાં પોસ્ટર સાથે લોકોએ નીતિન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી માંગ કરી હતી. જોકે છેલ્લી ઘડીએ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરાયું હતું.

મોદી-અમિત શાહે બે નિરીક્ષકોને સીએમના નામનું કવર લઈ મોકલ્યા

જણાવી દઈએ કે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની રચના અંગે ગઈકાલે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ વચ્ચે ખાસ બેઠક મળી હતી. જેમા નવા મુખ્યમંત્રીના નામ પર નિર્ણય લેવાયો હતો. તે પછી મોડીરાત્રે ભાજપના બે રાષ્ટ્રીય નિરીક્ષકોને નવા મુખ્યમંત્રીના નામ સાથે ગુજરાત મોકલવામાં આવ્યા હતા.

Most Popular

To Top